છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામે પ્રા.શાળા તેમજ બાળ મંદિર નજીક સ્પીડબ્રેકર મુકવા માટે ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.
પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામ ખાતે પ્રા.શાળા આવેલી છે. જયાં શાળાની નજીકમાં જ બાળમંદિર પણ આવેલુ છે. બને શૈક્ષણિક સંસ્થાઓ મુખ્ય માર્ગથી તદ્દન અડીને આવેલ હોવાથી અહિં દરરોજ નાના ભુલકાઓની અવરજવર રહે છે.ભુતકાળમાં બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી આ સ્થળે સ્પીડબ્રેકર મુકાયા હતા. જોકે પાનવડથી ચલામલી સુધીના માર્ગનુ નિમાર્ણ હાથ ધર્યા બાદ અગાઉના સ્પીડબ્રેકર હટાવી લેવાયા હતા. અને ત્યારબાદ નવો બંપ બનાવવામાં આવ્યો નથી. હાલમાં આ નવા બનેલા ડામર રોડ પરથી વાહનચાલકો પુરઝડપે વાહનો હંકારી રહ્યા છે. જેના કારણે માસુમ બાળકોના જીવ સાથે અકસ્માતોનુ જોખમ સેવાઈ રહ્યુ છે. જાનહાનિ સર્જાય તે પહેલા સાવચેતીના ભાગપે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્પીડબ્રેકર મુકાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે.