ગોધરાના ભુરાવાવ સ્થિત હંગામી એસ.ટી.ડેપો ખાતે ત્રણ દિવસ અગાઉ લાગેલી ભીષણ આગમાં ડેપો બળીને ખાખ થઈ ગયો હતો. જોકે તંત્ર દ્વારા તુરંત જ પરીસરમાં મંડપ ઉભો કરીને મુસાફરોની સુવિધા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી હતી. પરંતુ મંડપમાં પાયાની સુવિધાઓના અભાવે રોજિંદા લાંબા ટની બસોના હજારો મુસાફરોને હાલત કફોડી બની છે.
આ હંગામી મંડપમાં બેસવાની પુરતી વ્યવસ્થા ન હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને કલાકો સુધી ઉભા રહેવાનો વારો આવ્યો છે. ઉપરાંત્ બસ આવતા જ બસોમાં બેસવા માટેની પડાપડીના દ્રશ્યો પણ સર્જાય છે. વધુમાં તંત્ર દ્વારા સુવિધા માટે ઉભા કરાયેલા મંડપમાં લગાવેલા પાંચેય પંખા બંધ હાલતમાં હોવાથી મુસાફરો બપોરના સમયે ગરમી અને બફારામાં શેકાઈ રહ્યા છે. તંત્રની અધકચરી વ્યવસ્થા સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે.