મહિસાગર જિલ્લામાં દસ્તાવેજ નોંધણી અને ઈ-સ્ટેમ્પિંગની કામગીરીમાં પારદર્શિતા લાવા તેમજ નાગરિકોનુ આર્થિક શોષણ અટકાવા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા મહત્વપુર્ણ પહેલ કરવામાં આવી છે. સ્ટેમ્પ વેચાણમાં વધુ રકમ વસુલતા તત્વો અને સ્ટેમ્૫ ડ્યુટીની ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા ખાનગી રાહે માહિતી મેળવા માટે ખાસ વોટ્સએપ નં.-૮૭૯૯૪૬૩૬૮૨ જાહેર કરાયો છે. તાજેતરમાં નાયબ કલેકટર દ્વારા સ્ટિંગ ઓપરેશનમાં નિયત કિંમત કરતા વધુ નાણાં વસુલતા બે ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો ઝડપાતા જિલ્લાના ૫૯ ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો અને લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, ખાનપુર, સંતરામપુર તથા કડાણાની સબ રજીસ્ટ્રાર કચેરીઓ પર તંત્રએ ચાંપતી નજર ગોઠવી છે. જો કોઈ કેન્દ્ર પર સ્ટેમ્પના વધુ નાણાં લેવાય, સ્ટેમ્પ હોવા છતાં આપવાનો ઈન્કાર કરાય કે કચેરીમાં વધારાની રકમની માંગણી થાય તો નાગરિકો સીધી ફરિયાદ કરી શકશે.અગાઉની તપાસમાં સ્થળ પર પાકા મકાનો, બંગલા કે કોમર્શિયલ બાંધકામો હોવા છતાં દસ્તાવેજોમાં ખુલ્લો પ્લોટ દર્શાવી તેમજ ભાડા કરારમાં માત્ર .૩૦૦ના સ્ટેમ્પ વાપરી મોટી સ્ટેમ્પ ડ્યુટી ચોરી થતી હોવાનુ બહાર આવ્યુ હતુ. આવી ગેરરિતી અંગે નાગરિકો ફોટો, વીડિયો, દસ્તાવેજની નકલ કે રસીદના પુરાવા વોટ્સએપ નં.-૮૭૯૯૪૬૩૬૮૨ પર મોકલવો. માહિતી ગુપ્ત રાખી જવાબદારો સામે કાર્યવાહીથી બાકી ડ્યુટી વસુલાશે તેમ નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ જણાવ્યુ છે.