
કાલોલ પંથકમાંથી પસાર થતી સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મેઈન કેનાલના સ્ટ્રકચરમાં નુકસાન થવાની ધટના સામે આવતા કેનાલની જાળવણી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના બાકરોલ શક્તિપુરા નજીકથી પસાર થતી નર્મદા મેઈન કેનાલના ચેઈનેજ ૧૦૫.૩૪૪ કિ.મી.પાસે ક્રોસ રેગ્યુલેટરના સ્ટ્રકચર સાઈટમાં નુકસાન થયુ હોવાનુ જોવા મળે છે. જે મધ્યે શક્તિપુરા તરફી કેનાલની સાઈટના ૧૦૦ મીટરના દાયરામાં જ ચાર જગ્યાએ કોંક્રિટના મોટાભાગો તુટીને અલગ પડેલા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને પગલે કેનાલના બાંધકામની ગુણવત્તા તેમજ તેની સમયાંતરે થતી જાળવણી અંગે સવાલો ઉભા થયા છે. હાલના સમયમાં કેનાલમાં પાણી છોડાતા થતાં રહેલા વધ-ધટને કારણે નુકસાન વધી રહ્યુ હોવાનુ પણ જાણવા મળેલ છે. જેથી જો આ નુકસાન સમયસર દુર કરવામાં નહિ આવે અને ગાબડું વધુ વિકરાળ બને તો મોટા પ્રમાણમાં પાણી લીકેજ થવાની ભિતી આસપાસના ગામોના લોકોને સતાવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કેનાલની દેખરેખ માટે નર્મદા નિગમની એક ટીમ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમ છતાં પેટ્રોલિંગ કરતી ટીમને આ ગાબડાં ધ્યાને આવ્યા નથી. આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાને રાખીને જવાબદાર તંત્ર દ્વારા કેનાલોની જાળવણી અને સમારકામ સત્વરે કરાય તેવી માંગ ઉઠી છે.