આદિજાતિ કલ્યાણ યોજનાઓનો લાભ અને વિકાસ છેક છેવાડાના ગામો સુધી પહોંચ્યો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા આદિવાસી કલ્યાણ કામોથી સરકાર પ્રત્યેનો લોકોનો વિશ્ર્વાસ અને વિકાસની અપેક્ષા બેય વધ્યાં છે.

આદિવાસી વિસ્તાર ગરબાડાના ૭૨ કલાકના પ્રવાસ-મૂલાકાતના અંતિમ દિવસે ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ મહિલાઓ-ગ્રામજનો સાથે સંવાદ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ દાહોદ જીલ્લાના ગરબાડાના ગામોના ૭૨ કલાકના પ્રવાસના અંતિમ દિવસે ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પરના છેવાડાના ગામ ખંગેલામાં ગ્રામીણ મહિલાઓ-લોકો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ત્રણ દિવસના ગ્રામ્ય જીવનના અનુભવોથી એક અલગ જ સંતોષ મળ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આદિવાસી વિસ્તારોમાં જે વિકાસ કાર્યો અને કલ્યાણ યોજનાઓ પહોંચી છે તેનાથી લોકોનો સરકાર પ્રત્યેનો વિશ્ર્વાસ અને વિકાસ કામો માટેની અપેક્ષા બેય વધ્યા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ૭૨ કલાકના તેમના આ પ્રવાસ મૂલાકાતમાં તેમણે આદિવાસી યુવાઓમાં ઉચ્ચ શિક્ષણ, ગામોમાં રોડ-રસ્તા, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા જેવી મૂળભૂત જ‚રિયાતો સંદર્ભમાં થયેલી કામગીરીથી લોકોમાં સંતોષની લાગણી અનુભવી છે.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા કલ્યાણ યોજનાઓના કેન્દ્રસ્થાને સામાન્ય અને ગરીબ માણસને રાખ્યો છે. આજે ઙખઅઢમાં આવાસ, ઉજ્વલામાં ગેસ સિલિન્ડર, નલ સે જલ, રોડ-રસ્તા અને હેલ્થ સેન્ટર જેવી સુવિધાઓ છેવાડાના ગામો અને પર્વતીય વિસ્તારો સુધી પહોંચી છે અને તેનો પૂરતો લાભ દરેકને મળી રહ્યો છે.

આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાની વાતને મુખ્યમંત્રીએ વિશેષ મહત્વ આપતા જણાવ્યું કે રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને કારણે નાની ઉંમરે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને અન્ય રોગો વધી રહ્યા છે. જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. આવનારી પેઢીનું અને જમીન તથા માનવ સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું અત્યંત જ‚રી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ અને સૌનો પ્રયાસ એ વડાપ્રધાનનો કાર્યમંત્ર છે. સૌને સાથે મળીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા તેમણે પ્રેરણા આપી હતી.

આ અવસરે પ્રગતિશીલ મહિલાઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાની આત્મ નિર્ભરતાની વાતો રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ સખી મંડળોના વિવિધ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી.