મહીસાગર વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા ‘મિશન LiFE’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી

કાલિકા માતાના ડુંગર પર પ્લાસ્ટિક એકત્રીકરણ અને પર્યાવરણ લક્ષી જીવનશૈલી અપનાવવા જ જનજાગૃતિ અભિયાન યોજાયું.

આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે મહીસાગર જીલ્લા વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શ‚ કરવામાં આવેલા ‘મિશન LiFE’ (Lifestyle for Environment)અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા અને પર્યાવરણલક્ષી જીવનશૈલી કેળવવાના ઉમદા આશય સાથે લુણાવાડાના કાલિકા માતાજી મંદિર અને ડુંગર પરિસરમાં પ્લાસ્ટિક એકત્રીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં જોડાઈને ડુંગર પર પડેલા પ્લાસ્ટિકના કચરા અને અન્ય ગંદકીને વીણીને એકત્ર કરી હતી. મિશન LiFE ના મુખ્ય સિદ્ધાંત મુજબ, પ્રકૃતિનું સંવર્ધન કરવા માટે લોકો પોતાની રોજિંદી ટેવોમાં ફેરફાર કરે અને પ્લાસ્ટિકનો ત્યાગ કરી પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવે તેવો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતતા આવે તે માટે આ સાફ-સફાઈ અભિયાન મહત્વનું બની રહ્યું હતું. આ પ્રસંગે કાલિકા માતાજી મંદિરના પૂજારી સતીશભાઈ સેવકે વન વિભાગના આ કાર્યને બિરદાવતા ભક્તોને અપીલ કરી હતી કે, “માતાજીના આ પવિત્ર ધામમાં ગમે ત્યાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવાને બદલે કચરાપેટીનો જ ઉપયોગ કરીએ. આપણી આસ્થા સાથે પ્રકૃતિની શુદ્ધિ જળવાય તે માટે ડુંગરને સ્વચ્છ રાખવામાં સહકાર આપીએ.

લુણાવાડા રેંજ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં વન વિભાગે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્લાસ્ટિક મુક્ત વન વિસ્તાર એ માત્ર વન વિભાગની જ નહીં, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. મિશન LiFE હેઠળ પર્યાવરણને બચાવવા માટે આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ ચાલુ રહેશે.