મહિસાગર જિલ્લાની તમામ સરકારી-ખાનગી શાળાઓમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવા કલેકટર દ્વારા બાળકોને ફરમાવતી શિક્ષા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો નિયમોનુ ઉલ્લંધન કરાશે તો તેની સામે શિસ્ત ભંગની કાર્યવાહી કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
મહિસાગર જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ પર જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ અર્પિત સાગરે સંપુર્ણ પ્રતિબંધ મુકતા સત્તાવાર પરીપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવાયુ છે કે, શાળાઓમાં બાળકો સાથે કોઈપણ પ્રકારનુ અમાનવીય વર્તન ચલાવી લેવામાં આવશે નહિ. આ પરીપત્રનો અમલ જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત અને બિન અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ સીબીએસઈ કે અન્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ ખાનગી શાળાઓને લાગુ પડશે. તંત્ર દ્વારા તમામ શાળા સંચાલકો અને શિક્ષકોને આ બાબતની ગંભીર નોંધ લઈ નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા તાકિદ કરવામાં આવી છે. સાથે આરટીઈ એકટ-૨૦૦૯ અને શિક્ષણ વિભાગના નિયમોનુ ઉલ્લંધન કરનાર શિક્ષક, આચાર્ય કે સંચાલક સામે કડક શિસ્તભંગના વહીવટી પગલા લેવાશે. આ આદેશનો મુખ્ય હેતુ શાળાઓમાં ભય મુકત વાતાવરણ ઉભું કરવાનો અને બાળકોના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્યનુ રક્ષણ કરવાનો છે.