શહેરા તાલુકા ૫ંચાયતની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકામાં પાણી અને વીજળીની સમસ્યાઓ અંગે ઉંડાણપુર્વક ચર્ચા કરવામાં આવી હતી. તથા તાલુકાની ૭ મોટી ગ્રામ પંચાયતોના વિભાજનની દરખાસ્તને સર્વાનુમતે મંજુર કરવામાં આવતા તાલુકામાં નવી પંચાયતનો વધારો થશે.
શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ વિક્રમસિંહ પગીના અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ ઉપપ્રમુખ હાજાભાઈ ચારણની ખાસ ઉપસ્થિતિમાં પ્રથમ સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં તાલુકાના તમામ ચુંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. આ સામાન્ય સભાની બેઠકમાં શહેરા તાલુકામાં પ્રવર્તતી પાણી અને વીજળીની ગંભીર સમસ્યાઓ અંગે ઉંડાણપુર્વક ચર્ચા થઈ હતી. જેમાં સિંચાઈ અને પાણીની સમસ્યા અને વીજળીના વારંવાર થતાં કાપ અંગે તમામ પ્રશ્ર્નોની નોંધ લઈ સંબંધિત વિભાગો સાથે સંકલન કરી ઝડપી નિરાકરણ લાવવાની જાણ કરાઈ હતી. આ ઉપરાંત તાલુકાની ૭ મોટી ગ્રામ પંચાયતોના વિભાજનની દરખાસ્તને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. ટીડીઓ પાર્થ પટેલે જણાવ્યુ હતુ કે, વર્ષ-૨૦૨૫/૨૬ માટે કુલ ૪૪,૪૪૧ આવાસોના સર્વેમાંથી ૩૭,૦૪૧ આવાસો મંજુર થઈ ચુકયા છે. બાકી રહેલા ૭,૪૦૦ આવાસો કયા ટેક્નિકલ કે દસ્તાવેજી કારણોસર નામંજુર થયા છે તેની વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે. આ માહિતી મળ્યેથી સંબંધિત ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવશે. સભામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગજેન્દ્રસિંહ પગી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હસમુખભાઈ વણકર બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતાં જ નવ નિયુકત હોદ્દેદારોનુ મોં મીઠું કરાવી ફુલહાર પહેરાવી તાલુકા ૫ંચાયતના સભ્યો અને હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.