દાહોદ સહિત રતલામ મંડળના ૯ રેલ્વે સ્ટેશનો પર AI સજજ સ્માર્ટ કાઉન્ટર પુછપરછની બારીએ પાંચ ભાષામાં જવાબો મળશે

પશ્ર્ચિમ રેલ્વેના ઈતિહાસમાં પ્રથમ વખત મુસાફરોની પુછપરછ વ્યવસ્થાનુ આઉટસોર્સિંગ કરીને રેલ્વે તંત્ર મોટી ડિઝિટલ બદલાવ લાવી રહ્યુ છે. દાહોદ સહિતના રતલામ મંડળના ૯ અતિ વ્યસ્ત સ્ટેશનોના ૧૦ પુછપરછ કાઉન્ટરો હવે આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ બેઝ્ડ ‘સ્માર્ટ કાઉન્ટર’ તરીકે ઓળખાશે. આ કાઉન્ટર્સ પર તૈનાત સ્ટાફ ગ્રામિણ વડીલો અને પરપ્રાંતિય શ્રમિકોની સુવિધા માટે ગુજરાતી, માલવી અને રાજસ્થાની સહિત ૫ ભાષાઓમાં સીધો સંવાદ કરશે. આ હાઈટેક વ્યવસ્થાના કારણે ટ્રેનની સચોટ માહિતી તો મળશે જ સાથે સાથે સ્ટેશનની સફાઈ, લાઈટ-પંખા, અને ખાણી-પીણીની ઓવરચાર્જિંગની ફરિયાદોનુ પણ લાઈવ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ(એમઆઈએસ)દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી સીધુ મોનીટરીંગ થશે. દાહોદ સહિત રતલામ રેલ્વે મંડળમાં મુસાફરોની સુવિધા માટે આ કાઉન્ટર્સ પર કોમ્પ્યુટર અને આધુનિક ટેક્નિકોથી સજ્જ પ્રશિક્ષિત સ્ટાફ ૨૪ કલાક તૈનાત રહેશે. જે એ.આઈ.બેઝ્ડ ઈન્કવાયરી હેન્ડલિંગ ટેકનોલોજીની મદદથી તુરંત જ ટ્રેનોનુ સચોટ લાઈવ લોકેશન અને ઉપલબ્ધતાની રિયલ ટાઈમ માહિતી આપશે. આ કેન્દ્રો માત્ર પુછપરછ પુરતા સિમીત ન રહેતા અન્ય સેવાઓનો લાઈવ ડેટા મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ(એમઆઈએસ)અંતર્ગત સીધો ઉચ્ચ અધિકારીઓને મોકલશે. ટુંક સમયમાં જ ઇન્દોરમાં બે કાઉન્ટર સહિત દાહોદ, રતલામ, ઉજજૈન, દેવાસ, મહો, નાગદા, નીમચ અને ચિત્તોડગઢ સ્ટેશનો પર આ કાઉન્ટર્સ ખુલ્લા મુકાશે.