અમદાવાદમાં ડિફેન્સના નામે નકલી વિદેશી દૂરા વેચવાના કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો

લઠ્ઠાકાંડ બાદ નકલી દારૂના નેટવર્ક સામે અમદાવાદ પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે. નિકોલ પોલીસ અને એસએમસીની ટીમે ‘ડિફેન્સના દારૂ’ના નામે નકલી વિદેશી દારૂ તૈયાર કરી વેચતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં સુનિલ ઉર્ફે સોનુ માખીજાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસને મળેલી બાતમીના આધારે નિકોલના અટલ આવાસ ગેટ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન મોપેડ પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ માખીજાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની મોપેડની ડેકીમાંથી દારૂની બોટલ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ દિનેશ જંડાવાલાના કુબેરનગર Âસ્થત ઘરે પણ પહોંચી હતી. ત્યાંથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલ, ચાર પ્લાÂસ્ટકની બોટલ અને આધારકાર્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કુલ આશરે રૂ. ૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવતા હતા. ત્યારબાદ મોંઘી વિદેશી બ્રાન્ડના નામના બનાવટી સ્ટીકર અને સીલ લગાવી તેને અસલી દારૂ તરીકે રજૂ કરવામાં આવતો હતો. આ નકલી દારૂને ખાસ કરીને ‘ડિફેન્સનો દારૂ’ હોવાનું જણાવી ગ્રાહકોને વેચવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. આરોપીઓ સસ્તા દારૂને પ્રક્રિયા કરીને મોંઘી બ્રાન્ડના નામે ઊંચા ભાવે વેચતા હોવાની પોલીસને શંકા છે.

તપાસમાં પોલીસને એવી માહિતી મળી છે કે દિનેશ જંડાવાલા ખાલી દારૂની બોટલો, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ ભંગારના વેપારીઓ પાસેથી મેળવતો હતો. ત્યારબાદ આ સામગ્રીનો ઉપયોગ કરીને નકલી દારૂને અસલી અને મોંઘી બ્રાન્ડનો હોવાનું દર્શાવવામાં આવતું હતું.નિકોલ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. સુનિલ ઉર્ફે સોનુ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે. પોલીસ હવે આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, નકલી દારૂ ક્યાં તૈયાર થતો હતો અને તે અમદાવાદમાં ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે તપાસ કરી રહી છે.