ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ગરબાડા પોલીસનો ‘મેગા ક્રેકડાઉન’: ગેરકાયદે દારૂના અડ્ડાઓ પર ત્રાટકી પોલીસ, બુટલેગરોમાં સનાટો

ભાવનગરમાં સર્જાયેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ ઝેરી દારૂની ઘટના બાદ ગૃહ વિભાગની સૂચનાથી રાજ્યભરનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ગરબાડા પોલીસે ગુનાખોરી અને ગેરકાયદેસર દારૂના કાળા કારોબાર સામે લાલ આંખ કરી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી કાર્યવાહી હાથ ધરી છે. ગરબાડા પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને દેશી દારૂની ચાલતી ભઠ્ઠીઓ અને વિદેશી દારૂના મોટા જથ્થા પર તવાઈ બોલાવી છે.

ભાવનગરની હોનારત બાદ ઉચ્ચ અધિકારીઓના આદેશથી ગરબાડા ડીવાયએસપી એમ.કે. સ્વામી તેમજ ગરબાડા પોલીસ મથકના પી.આઈ. એસ.એમ. રાદડિયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને એકસાથે અનેક વિસ્તારોમાં રેડ પાડી હતી. પોલીસે ગરબાડાના ટેકરા વિસ્તાર, ભામાંતળાય, ચંદલા, ગાંગરડી બજાર, ટૂંકી તીતર્યા, પાટાડુંગરી, સાહડા, ખારવા, પાંચવાડા તેમજ માલ મોહણીયા જેવા સંવેદનશીલ અને આંતરિયાળ વિસ્તારોમાં આક્રમક રીતે દરોડા પાડ્યા હતા.

આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી ધમધમતી દેશી દારૂની 5 જેટલી ભઠ્ઠીઓને શોધી કાઢીને તેને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખી હતી. ભઠ્ઠીઓ પરથી મોટો લહાણ અને દારૂ બનાવવાનો સામાન પણ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગુપ્ત બાતમીના આધારે ચોક્કસ ઠેકાણાઓ પર દરોડા પાડીને ગેરકાયદેસર રાખવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પણ ઝડપી પાડ્યો છે.

પોલીસના આ અણધાર્યા સપાટાથી સ્થાનિક બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફાફડાટ અને સનાટો વ્યાપી ગયો છે. વર્ષોથી બેફામ બનીને દારૂનો કાળો કારોબાર ચલાવતા તત્વો હવે પોલીસની ભીંસ વધતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગરબાડા પોલીસના આ કડક વલણથી ગુનેગારોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને દારૂના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે.