
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ લાયસન્સની ચકાસણી; ઘરેલુ ગેસનો ઉપયોગ કરતા દુકાનદારો સામે કાર્યવાહી, અંદાજે ત્રણ મટન શોપ અને એક ફરસાણની દુકાન સીલ
ઝાલોદ નગરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય તે માટે વહીવટી તંત્ર અને ફૂડ વિભાગ દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી એ.કે. ભાટીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન વિવિધ ફરસાણ, નાસ્તા હાઉસ, હોટલ તેમજ મટન શોપમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન દુકાનદારોને ફ્રિજની રોજેરોજ સાફસફાઈ રાખવા, ખાદ્ય પદાર્થો પ્લાસ્ટિકની થેલીમાં ન રાખવા, એરટાઈટ ડબ્બાનો ઉપયોગ કરવા, દુકાનોમાં દરરોજ લિક્વિડ દ્વારા સફાઈ કરવા તેમજ પીવાના પાણીની શુદ્ધતા જાળવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે સાથે દરેક દુકાનમાં ફૂડ લાયસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઘરેલુ ગેસનો ઉપયોગ કરતા કેટલાક દુકાનદારો પાસેથી ગેસ જપ્ત કરવામાં આવ્યા હતા. હોટલોમાં પેક ફરસાણ સહિતના ખાદ્ય પદાર્થોમાં પેકિંગ તથા એક્સપાયરી ડેટની ચકાસણી કરવામાં આવી હતી. નિયમોનું પાલન ન કરતા અને સફાઈના અભાવવાળી દુકાનો સામે નગરપાલિકા દ્વારા રૂ. 1,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ મેગા ડ્રાઇવ દરમિયાન ભરકાદેવી, છાસવાલા, પટેલ નાસ્તા હાઉસ, અંબિકા નાસ્તા હાઉસ, મારુતિ હોટલ, જય અંબે ડાયનીંગ હોલ, સત્કાર હોટલ, જોધપુર, જયહિંદ, હોટલ શ્રી અન્નપૂર્ણા, જલારામ પરોઠા, શ્રી ગણેશ, પવન નમકીન, ઝાયકા, યાદચાર, અલ્તાફ, રાણીયા મટન શોપ અને સાજિદ મટન સહિતની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન નગરની કેટલીક ફરસાણ તથા મટન શોપના દુકાનદારો દુકાનો બંધ કરી જતા રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન અંદાજે ત્રણ મટન શોપ અને એક ફરસાણની દુકાનને સીલ કરવામાં આવી હતી.
આ કામગીરીમાં પ્રાંત અધિકારી એ.કે. ભાટીયા, મામલતદાર એસ.એમ. પરમાર, નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામા, ફૂડ સેફ્ટી ઓફિસર ઉર્વીબેન એસ. માલ, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.
મટન શોપના લાયસન્સ અંગે પણ સવાલ
ઝાલોદ શહેરમાં ચાલતી મટન શોપ પૈકી કેટલી દુકાનો પાસે જરૂરી ફૂડ લાયસન્સ છે અને કેટલી દુકાનો નિયમોનું પાલન કર્યા વિના ધંધો કરી રહી છે તે અંગે પણ સઘન તપાસ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. ખાસ કરીને લાયસન્સ વગર ચાલતી મટન શોપ સામે ફૂડ વિભાગ દ્વારા ક્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો સવાલ પણ નગરજનોમાં ઉઠ્યો છે.
ફૂડ વિભાગની આ મેગા ડ્રાઇવને પગલે ખાદ્ય પદાર્થોના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો અને સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા માટે તંત્ર દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો હતો.