સુરતના ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે ૩૦ વર્ષીય યુવકની હત્યા, અજાણ્યા હુમલાખોરો ફરાર

શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગોલ્ડન આવાસ નજીક ૩૦ વર્ષીય યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. રાત્રે અજાણ્યા ઇસમો સાથે થયેલી માથાકૂટ બાદ યુવક પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે નવી સિવિલ હોÂસ્પટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, સલમાન રુસ્તમ સૈયદ નામનો ૩૦ વર્ષીય યુવક રાત્રે આશરે ૧૧ઃ૩૦ વાગ્યે ભેસ્તાન ગોલ્ડન આવાસ નજીક ગયો હતો. આ દરમિયાન કોઈ કારણસર અજાણ્યા ઇસમો સાથે તેની માથાકૂટ થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતાં મારામારી શરૂ થઈ હતી.

મારામારી દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ સલમાન પર માથા તેમજ શરીરના અન્ય ભાગે ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત સલમાનને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જાકે, તેની હાલત ગંભીર હોવાથી ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હુમલાખોરોની ઓળખ અને હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.