જામનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના ધરણા,ગાંધીના ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે,વિક્રમ માડમ

જામનગરમાં ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા લાલ બંગલા પરિસરમાં ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાજ્ય સરકાર તથા પોલીસ તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા વિક્રમ માડમ સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા , મહિલા કોર્પોરેટરો, સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થત રહ્યા હતા.

ધરણા દરમિયાન વિક્રમ માડમે ગુજરાતમાં દારૂબંધીના અમલને લઈને સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાનો ઉલ્લેખ કરીને મૃતકો અને સારવાર લઈ રહેલા દર્દીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિક્રમ માડમે રાજ્યના તમામ પોલીસ અધિક્ષકોને ખુલ્લો પડકાર આપતાં કહ્યું કે જા કોઈ જિલ્લામાં દારૂનું વેચાણ કે ઉત્પાદન થતું ન હોય તો સંબંધિત એસપીએ આ અંગે જાહેરમાં કહેવું જાઈએ.

તેમણે દાવો કર્યો કે તેઓ જે જિલ્લામાં દારૂ ન બનતો કે ન વેચાતો હોવાનો દાવો કરવામાં આવશે ત્યાં દારૂના ગેરકાયદે વેપારના પુરાવા રજૂ કરી શકે છે. તેમણે ગૃહમંત્રીથી લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સુધીના તંત્રને દારૂબંધીના અમલ અંગે જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.ગાંધીનગર સમાચાર

વિક્રમ માડમે ગુજરાતમાં દારૂની ગેરકાયદે હેરાફેરી અને વેચાણને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં દેશી દારૂના કારણે અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે લઠ્ઠાકાંડમાં પરિવારના સભ્યને ગુમાવનાર પરિવારોની સ્થિતિ અત્યંત દુઃખદ હોય છે અને આવા બનાવો અટકાવવા માટે તંત્રએ કડક પગલાં લેવા જાઈએ. માડમે એવો પણ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં દારૂનું વેચાણ અને હોમ ડિલિવરી થતી હોવા છતાં પોલીસ અને સરકારને તેની જાણ ન હોવાની વાત સ્વીકાર્ય નથી.

વિક્રમ માડમે પોતાના ધારાસભ્ય તરીકેના સમયગાળાની વાત કરતા દારૂબંધીના અમલ અંગે વિધાનસભામાં રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે અમદાવાદમાં દારૂ સરળતાથી ઉપલબ્ધ હોવાના મુદ્દે તેમણે તે સમયે ગૃહમંત્રી સમક્ષ પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સરકારને આ સમગ્ર મુદ્દે માત્ર દાવા કરવાને બદલે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.કોંગ્રેસના કાર્યકરોએ વિરોધને વધુ અસરકારક બનાવવા માટે દેશી દારૂની પ્રતીકાત્મક કોથળીઓ અને બોટલો સાથે ધરણાં કર્યા હતા. કાર્યકરોએ સરકાર અને પોલીસ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દારૂબંધીના કડક અમલની માંગ કરી હતી. કોંગ્રેસે ગુજરાતમાં અગાઉ પણ બનેલી લઠ્ઠાકાંડની ઘટનાઓનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરી હતી અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.હાલ જામનગરમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે ખાસ કરીને દારૂબંધીના અમલ, ગેરકાયદે દારૂના વેચાણ અને લઠ્ઠાકાંડની ઘટનાઓને મુદ્દો બનાવી સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે.