ફતેપુરામાં ભાઈની ખાનગી શાળામાં સરકારી સામગ્રી ખડકનાર જવાબદાર સીઆરસી બહેનને સસ્પેન્ડ કરાયા

દાહોદ જિલ્લાના સરહદી ફતેપુરા તાલુકામાં શિક્ષણ જગતને વિચારમાં મુકી દેતી ગંભીર ગેરરિતીનો પર્દાફાશ થયો હતો. ગરીબ અને વંચિત બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા સરકારી સાહિત્ય ખાનગી ટચ ધ લાઈટ સ્કુલમાં સરકારી સામગ્રીનો બિનઅધિકૃત ઉપયોગ થવા મામલે સીઆરસી જવાબદાર નીકળ્યા હતા.પોતાના જ ભાઈની ખાનગી શાળામાં સરકારી સામગ્રી ખડકનારા સીઆરસી બહેનને અંતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ફતેપુરાની ખાનગી ટચ ધ લાઈટ સ્કુલમાં ગેરરિતી અંગે આમ આદમી પાર્ટીએ જાણ કર્યા બાદ શિક્ષણ વિભાગની તપાસમાં શાળામાંથી જ્ઞાનદુત યોજનાના ૪ સ્માર્ટ બોર્ડ, નિપુણ ભારત યોજનાની કિટો અને સમગ્ર શિક્ષા અભિયાનના પુસ્તકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. શિક્ષણ વિભાગે તમામ સરકારી સાહિત્ય જપ્ત કરી ‚મ સીલ કર્યો હતો. આ સીલ કરેલો ‚મ પંચો અને અધિકારીઓની હાજરીમાં ખોલીને કઈં અને કેટલી સરકારી વસ્તુઓ હતી તેની ગણતરી કરાઇ હતી. ત્રણ સીઆરસીની તપાસ ટીમ સાથે ગાંધીનગરની ટીમે પણ તપાસ કરતા ફતેપુરા સીઆરસી કો-ઓર્ડિનેટર પુર્વાબેન ઉપાધ્યાની જવાબદારી નકકી થઈ હતી. તેમના કલસ્ટરની સરકારી શાળાની સામગ્રી તેમણે પોતાના ભાઈ દેવન ઉપાધ્યાય ટ્રસ્ટી હતા તે શાળામાં આપી હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સોૈપ્રથમ સીઆરસી તરીકેની તેમની પ્રતિનિયુક્તિ રદ્દ કરીને વલુંડી ગામની તેમની મુળ શાળામાં મુકયા હતા. આ સાથે પુર્વાબેનને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ફતેપુરામાં બનેલી આ ધટના શિક્ષણ જગત સાથે સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. ધટનાને પગલે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સરકારી સાધનોના ઉપયોગ અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. સરકારી સાધનોનો ઉપયોગ પાછળ ટ્રસ્ટીઓની સંમત્તિ હોવાની બાબત પણ તપાસમાં સામે આવી છે. હવે શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવાય છે તેના પર સોૈની નજર છે.