
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જીદને લઈને ફરી એકવાર મોટો વિવાદ સામે આવ્યો છે. મોટી સંખ્યામાં જૈન સમાજના અનુયાયીઓ જામા મસ્જીદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ સ્થળને એક પ્રાચીન જૈન મંદિર હોવાનો દાવો કર્યો. જૈન શ્રદ્ધાળુઓનું કહેવું છે કે મસ્જીદના સ્તંભો પર જોવા મળતી કોતરણી, દેવી-દેવતાઓના ચિત્રો અને “ચૌદ સ્વપ્ન”ના અવશેષો સ્પષ્ટપણે જૈન અને હિન્દુ સંસ્કૃતિની ઝાંખી દર્શાવે છે.
જૈન શ્રદ્ધાળુઓનું કહેવું છે કે મસ્જીદના બાંધકામમાં જૈન અને હિન્દુ સંસ્કૃતિના અસંખ્ય પુરાવાઓ સ્પષ્ટપણે દ્રશ્યમાન છે. તેમના મતે, “બોતેર જીનાલય” માં જાવા મળતા સ્તંભો જેવા જ સ્તંભો અહીં ઉપસ્થિત છે. આ સ્તંભો પરની ઝીણવટભરી કોતરણીમાં દેવી-દેવતાઓના ચિત્રો અને જૈન તથા હિન્દુ પરંપરાઓને લગતા દ્રશ્યો જાવા મળે છે. વધુમાં, જૈન ધર્મમાં તીર્થંકર પરમાત્માના જન્મ પૂર્વે માતાને આવતા “ચૌદ સ્વપ્ન” ના અવશેષો પણ એક જગ્યાએ જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તમામ અવશેષો, જૈન સમાજ અનુસાર, સૂચવે છે કે આ સ્થળનો પ્રાચીન ઇતિહાસ જૈન અને સનાતન પરંપરા સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
આ દાવા સાથે, જૈન સમાજે પોતાની અમૂલ્ય ધરોહર પાછી આપવાની માંગ કરી છે. અગાઉ પણ આ સ્થળેથી હિન્દુ મૂર્તિઓ મળી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. હાલમાં, ભરૂચની જામા મસ્જીદનો આ સમગ્ર મામલો પુરાતત્વ વિભાગની તપાસ હેઠળ છે. જૈન સમાજ દ્વારા આ તીર્થની રક્ષા માટે સૌને એક થઈને આગળ આવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેથી આ સ્થળનો સાચો ઇતિહાસ સામે આવી શકે. પુરાતત્વ વિભાગની તપાસ અને સત્તાવાર માહિતી હવે આ વિવાદમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.