
અમદાવાદના વાડજ વિસ્તારમાં પ્રથમ પત્ની અને બે બાળકો હોવાની વાત છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા બાદ તેનું શારીરિક અને માનસિક શોષણ કરવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અગાઉ જે સ્થળે પરિવાર સાથે રહેતી હતી, ત્યાં પડોશમાં દીપક ઘટાક નામનો શખસ રહેવા આવ્યો હતો. દીપકે યુવતીનો મોબાઈલ નંબર મેળવી વાતચીત શરૂ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં દીપકે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ૨૯મી માર્ચે નવરંગપુરા ખાતે હિન્દુ વિધિથી લગ્ન કરી બંને વાડજ ખાતે ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. લગ્નના દસ દિવસ બાદ એક પારિવારિક પ્રસંગમાં યુવતીને જાણવા મળ્યું હતું કે દીપક અગાઉથી પરિણીત છે, તેને બે બાળકો છે અને તેની પહેલી પત્ની છેલ્લા ત્રણ વર્ષથી રિસાઈને પિયરમાં રહે છે.
આ બાબતે યુવતીએ પૂછપરછ કરતાં આરોપી દીપકે દારૂના નશામાં ગાળો આપી તેની સાથે મારઝૂડ કરી હતી. યુવતીને ઘરની બહાર ન જવા દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ૨૨મી જૂન સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવી હોવાનો તથા અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન આરોપી કામઅર્થે રાજકોટ ગયો ત્યારે યુવતી તક જોઈને ઘરમાંથી નીકળી પિયર પહોંચી હતી અને પરિવારજનોને આપવીતી જણાવ્યા બાદ વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.