અમદાવાદમાં ઇડબ્લ્યુએસ આવાસોમાં ગેરકાયદે રહેતા ૨૯૦ને નોટિસઃ એક સપ્તાહમાં પુરાવા રજૂ કરવા આદેશ

અમદાવાદ શહેરમાં સ્લમ રીહેબિલિટેશન યોજના હેઠળ ઝૂંપડાંવાસીઓ અને શહેરી ગરીબો માટે ફાળવવામાં આવેલા ઇડબ્લ્યુએસ આવાસોમાં નિયમ વિરુદ્ધ રહેતા લોકો સામે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વિવિધ ઝોનમાં કુલ ૧૩,૭૭૯ ઇડબ્લ્યુએસ આવાસોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ૨૯૦ મકાનોમાં ગેરકાયદે રીતે રહેતા હોવાની બાબત ધ્યાનમાં આવતા સંબંધિત મકાનમાલિકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યાના એક સપ્તાહમાં જરૂરી પુરાવા રજૂ કરી સ્પષ્ટતા કરવા જણાવાયું છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ૪૩ ઇડબ્લ્યુએસ આવાસ સીલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે ભાડે રહેતા હોવાનું જણાયેલા ચાર મકાનોને સીલ કરવામાં આવ્યા હતા. અગાઉની કાર્યવાહીને સહિત અત્યાર સુધીમાં કુલ ૪૩ આવાસ સીલ કરાયા છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫,૯૩૮ ઇડબ્લ્યુએસ આવાસોની તપાસ કરવામાં આવી છે. તેમાંથી ૨૮૧ મકાનોના માલિકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જાકે, આ ઝોનમાં કોઈ આવાસ સીલ કરવામાં આવ્યો નથી. પૂર્વ ઝોનમાં ૨,૫૫૧ આવાસોની તપાસ દરમિયાન ૭ નોટિસ અને ૧૫ સીલિંગની કાર્યવાહી થઈ છે. પશ્ચિમ ઝોનમાં ૭૨૧ મકાનોની તપાસ કરીને ૧૫ આવાસ સીલ કરાયા છે. દક્ષિણ ઝોનમાં ૭૭૯ આવાસની તપાસ દરમિયાન ૯ મકાન સીલ કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૪૫૯ મકાનોની તપાસમાંથી ૨ નોટિસ અને ૪ સીલિંગ કરવામાં આવ્યા છે. ઉત્તર ઝોનમાં ૩,૩૧૪ તથા મધ્ય ઝોનમાં ૧૭ મકાનોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ બંને ઝોનમાં નોટિસ કે સીલિંગની કાર્યવાહી થઈ નથી.

એસ્ટેટ વિભાગે તપાસેલા ૧૩,૭૭૯ આવાસોમાંથી આશરે ૭,૦૦૦ મકાનો ત્રણથી ચાર મહિના પહેલાં જ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ નવા ફાળવાયેલા મકાનોની તપાસમાં કોઈ વાંધાજનક બાબત મળી નથી. દરમિયાન અગાઉ સીલ કરવામાં આવેલા ૧૪ આવાસોમાંથી ૧૨ મકાનોનો સાત વર્ષનો લોક-ઇન પિરિયડ પૂર્ણ થઈ ગયો છે. હવે આ મકાનો અંગે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ઇડબ્લ્યુએસ આવાસોમાં ગેરકાયદે કબજા, નિયમ વિરુદ્ધ ભાડે આપવું અથવા ફાળવણીના નિયમોનો ભંગ થતો હોય તેવા કિસ્સાઓ શોધવા માટે આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રાખવામાં આવશે. હાલ ૨૯૦ મકાનોને આપવામાં આવેલી કારણદર્શક નોટિસના જવાબ અને રજૂ કરાયેલા પુરાવાના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.