ભાવનગરમાં દૂધના ફેટમાં મોટો ખેલ, ડેરી કંપનીને ૫૪ લાખનો ચૂનો ચોપડનાર ૬ આરોપીઓને એલસીબીએ દબોચ્યા

ભાવનગર જિલ્લામાં દૂધના ફેટના ખોટા અને બનાવટી રિપોર્ટ ઊભા કરી એક પ્રતિષ્ઠિત ડેરી કંપની સાથે આશરે ૫૪ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના કૌભાંડનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ વ્યવસ્થિત આર્થિક કૌભાંડમાં સામેલ મુખ્ય સૂત્રધારો સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં દૂધ ઉત્પાદકો અને સંકલિત ડેરી નેટવર્ક વચ્ચે થતા રોજિંદા વ્યવહારોમાં છેડછાડ કરીને આચરવામાં આવેલા આર્થિક ગુનાનો ભાવનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે. ડેરી કંપનીના નિયમિત ઓડિટ અને આંતરિક તપાસ દરમિયાન દૂધના જથ્થા અને ફેટના હિસાબમાં ગંભીર વિસંગતતા સામે આવી હતી.

તપાસમાં બહાર આવ્યું હતું કે સંચાલકો અને વચેટિયાઓએ સાઠગાંઠ રચીને દૂધમાં વાસ્તવિક ફેટ કરતાં વધુ ફેટ દર્શાવતા બોગસ રિપોર્ટ તૈયાર કર્યા હતા. આ ખોટા આંકડાઓના આધારે ડેરી કંપની પાસેથી લાખો રૂપિયાનું વધારાનું ચુકવણું મેળવીને કુલ ૫૪ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી.

કંપનીના સત્તાવાળાઓ દ્વારા સમગ્ર ગોટાળાની વિગતો ચકાસ્યા બાદ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે ભરતનગર, તળાજા તેમજ ભાલ પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.

કુલ આરોપીઓ સામે ગુનોઃ અધેળાઈ ગામના બલ્ક મિલ્ક સેન્ટર, ભરતનગર વિસ્તારની ગોપાલ ડેરી તથા તળાજા હદ વિસ્તારના જગદીશભાઈ તોતા અને નાનુ ભરવાડ સહિત કુલ ૯ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

એલસીબી દ્વારા ઝડપાયેલા ૬ શખ્સોઃ રત્નાભાઈ મેર, શિવભદ્રસિંહ ચુડાસમા, ગોપાલભાઈ મેવાડા, જગદીશભાઈ ટોટા, નાનુભાઈ હાડગરડા અને જયદીપ ભુવાને પોલીસે ગિરફ્તાર કર્યા છે.

બાકીના શખ્સોની શોધખોળઃ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

પોલીસ તપાસમાં જાહેર થયેલી ચોંકાવનારી વિગતો મુજબ, આરોપીઓએ કુલ ૩.૮૦ લાખ લીટર દૂધના વિશાળ વ્યવહારમાં છેડછાડ કરી હતી. લેબોરેટરી અને દૂધ સંકલન કેન્દ્રો ખાતે ખોટા આંકડા દાખલ કરીને વાસ્તવિક જથ્થાની સરખામણીએ ૧૧૧૮.૯ કિલો ફેટનો ગેરકાયદેસર તફાવત ઊભો કરવામાં આવ્યો

હતો.

દૂધના વ્યવસાયમાં ફેટના ટકાવારીના આધારે જ ભાવ નિર્ધારિત થતો હોવાથી, આ ટોળકીએ સુનિયોજિત રીતે માત્ર કાગળ પર ઊંચા ફેટ દર્શાવી કંપનીની તિજારીમાંથી રોકડ રકમ સેરવી લીધી હતી. આંકડાકીય મેળ ન બેસતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓને શંકા ગઈ અને સમગ્ર ગોબાચારી છતી થઈ ગઈ હતી. ઝડપાયેલા ૬ આરોપીઓ પૈકી રત્નાભાઈ મેર અને જગદીશ ટોટા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું અને પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. તેઓ સ્થાનિક કક્ષાએ ડેરી કલેક્શન પોઇન્ટ પર પોતાનો પ્રભાવ જમાવીને આવી ગેરરીતિ આચરતા હતા.

આ ઘટના બાદ સૌરાષ્ટ્રભરના ડેરી ઉદ્યોગમાં ડિજિટલ મિલ્ક ટેસ્ટીંગ અને ફેટ એનાલાઇઝર મશીનોની ઓનલાઇન ચકાસણી વધુ સઘન બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી ભવિષ્યમાં આવા બોગસ રિપોર્ટ દ્વારા પશુપાલકો અને સહકારી કે ખાનગી ડેરી કંપનીઓ સાથે થતી છેતરપિંડી અટકાવી શકાય.