પાડોશી મહિલાએ સગીરને ૫૦૦ની લાલચ આપી તેના ઘરમાંથી શ્૧.૯૮ લાખના દાગીના ચોરાવ્યા

ઓઢવ વિસ્તારમાં પાડોશમાં રહેતી મહિલાએ પાડોશી ધર્મને લજવ્યો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ પાડોશમાં રહેતા ૧૪ વર્ષના સગીરને રૂ.૫૦૦ની લાલચ આપીને તેના જ ઘરમાંથી રૂ.૧.૯૮ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરાવ્યા હોવાનો ચોંકાવનારી બનાવ બન્યો છે. સગીરના પિતા તિજારીમાં રૂપિયા લેવા જતા દાગીના ગુમ હતા. પરિવારજનો રડતા હોવાથી પુત્રએ રડતા રડતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે પિતાએ પાડોશી મહિલા સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સિંગરવામાં રહેતા બ્રિજેશભાઈ યાદવ ફેબ્રિકેશનનું કામ કરે છે. ઓગસ્ટ મહિનામાં જ્યારે તેઓને નાણાંની જરૂર પડતાં ઘરમાં રાખેલી તિજારી ખોલી ત્યારે તેમાં મુકેલા દાગીના ગાયબ હતા. પૂછપરછ દરમિયાન પરિવારજનો રડી પડ્યા હતા. બીજા દિવસે સવારે તેમનો ૧૪ વર્ષનો પુત્ર શાળાએ જતી વખતે રડી પડ્યો હતો અને તેણે આખી આપવીતી જણાવી હતી. પુત્રએ ખુલાસો કર્યો હતો કે, પાડોશમાં રહેતા અંજનાબેન પંડ્યા તેને મોબાઈલ બગડી ગયો હોવાનું કહી તેની પાસે બોલાવ્યો હતો. ઘરમાં દાગીના છે કે નહીં તેની પૂછપરછ કરી હતી.

શરૂઆતમાં સગીરે ના પાડી હતી. પરંતુ મહિલાએ રૂ.૫૦૦ આપીને વધુ રૂપિયા આપવાની લાલચ આપતાં સગીર પાડોશી મહિલાની વાતોમાં આવી ગયો હતો. ત્યારબાદ મહિલાની લાલચમાં આવીને સગીરે પોતાના ઘરમાં તિજારીમાંથી પોતાની મૃત માતાના રૂ. ૧.૯૮ લાખના દાગીના ચોરીને પોતાની સ્કૂલ બેગમાં મૂકી દીધા હતા. ત્યારબાદ ટુકડે-ટુકડે આ દાગીના અંજનાબેનને સોંપી દીધા હતા. દાગીનાના બદલામાં મહિલાએ સગીરને પહેલા રૂ.૫ હજાર અને બાદમાં રૂ.૭૦ હજાર આપ્યા હતા અને કોઈને નામ ન આપવા જણાવ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ સગીરના પિતા બ્રિજેશભાઈએ થતાં જ પાડોશી મહિલા અંજનાબેનનો સંપર્ક કર્યો હતો. મહિલાએ દાગીના સોનીને વેચવા આપ્યા છે અને પરત લઈ આપશે તેમ કહી સમય વિતાવ્યો હતો. બાદમાં રૂપિયા ચૂકવી આપવાના ખોટા વાયદાઓ કર્યા હતા. દાગીના કે નાણાં પરત ન મળતા બ્રિજેશભાઈએ આખરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પાડોશી મહિલા અંજનાબેન પંડ્યા સામે ગુનો નોંધાવ્યો હતો.