
મહેસાણા-પાલનપુર હાઈવે પર શનિવારે પરોઢિયે ફતેપુરા સર્કલથી આગળ તુલસી હોટલ નજીક રોડ પરથી પસાર થઈ રહેલી ઇત્ન-૧૯-ય્ઈ-૧૯૨૩ નંબરની ટ્રકના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં રોડની સાઈડમાં પડેલી ટ્રકને ટક્કર મારી હતી તેમજ અન્ય એક યુવકને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બેચરાજી મારુતિ સુઝુકીમાં નોકરી કરતા અને તેમના બનેવી સનીદેવલ બાલમોહન તતવા સાથે બેચરાજના સાપાવાડા ખાતે રહેતા મૂળ બિહારના દશરથપ્રસાદ કૈલાસપ્રસાદ યાદવ (ઉં.વ.૩૮)નું મોત નિપજ્યું હતું. ટ્રકના ચાલક કેબિનમાં ફસાઈ ગયા હોવાથી મહેસાણા મનપાના ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેને વધુ ઈજા ન થાય તે રીતે બહાર કાઢીને પોલીસને સોંપતાં સારવાર માટે ખસેડાયા હતા. ઉપરોક્ત ઘટના અંગે મૃતક દશરથપ્રસાદના બનેવી સનીદેવલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી ઘટનામાં બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામના દિનેશભાઈ માધવલાલ પટેલ ખેતરમાંથી બાઈક પર તેમની પત્ની કમળાબેનને લઈને ઘરે જતા હતા ત્યારે મહેસાણા-મોઢેરા રોડ ક્રોસ કરતી વખતે મોઢેરા તરફથી આવેલી ફોરવ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. કમળાબેનને બેઠો માર વાગ્યો હતો પરંતુ દિનેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં ૧૦૮ની મદદથી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બાબતે મૃતકના પુત્ર રોહનભાઈની ફરિયાદના આધારે મોઢેરા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સતલાસણાના સમરપુરા ગામના પશાભાઈ નાથાભાઈ નાયી તથા ચૌહાણ બળવંતસિંહ ઉર્ફે બચુસિંહ પરબતસિંહ સ્કૂટર લઈને શુક્રવારે સવારે હિંમતપુરા જવા નિકળ્યા હતા. કોઠાસણા પાટિયા પાસે એક ડાલાના ચાલકે ટક્કર મારતાં બંનેને ઈજાઓ પહોંચી હતી. ૧૦૮ની મદદથી બંનેને સતલાસણા સિવિલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે વડનગર સિવિલમાં રીફર કરાયા હતા. જ્યાં બળવંતસિંહને મૃત જાહેર કરાયા હતા. જ્યારે પશાભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા હોઈ સારવાર શરૂ કરાઈ હતી. પશાભાઈની ફરિયાદના આધારે સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.