રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં ૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે નજીવી બાબતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. તો સાથે જ સોલંકી પરિવારના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યોને લાકડી તેમજ લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીર સહિત કુલ પાંચ વ્યક્તઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનો પૌત્ર તેમજ રાજેન્દ્રસિંહનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે ૨૧ વર્ષીય મમતા સોલંકી દ્વારા ધ્રુવરાજસિંહ જાડેજા તેમજ સમીર નામના વ્યÂક્ત વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૩૩૨, ૩૩૩, ૧૯૦, ૧૯૧(૨), ૩૫૨ તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સડક પીપળીયા ગામની સીમમાં ડાક્ટર પંપ નામના કારખાનાની પાછળના પ્લોટમાં રહેતા મમતા સોલંકીના પરિવાર પાસે આશરે ૫૦ જેટલા બકરા છે. બકરા ચરાવવાનું કામ ભીમા મારવાડી નામના વ્યÂક્ત કરે છે. તા. ૩ ઓક્ટોબરની રાત્રે સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં મમતાના ઘર પાસે એક મોટરસાઇકલ ઊભી હતી. ત્યારબાદ કાળા રંગની મોટી ગાડી ઝડપથી રિવર્સમાં આવી ઘરની નજીક ઊભી રહી હતી. ગાડીમાંથી પાંચ શખ્સો ઉતર્યા હતા, જ્યારે એક શખ્સ મોટરસાઇકલ પર હતો. જે પૈકી એક શખ્સના હાથમાં ગન હતી. તેણે હવામાં ફાયરિંગ કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ લાકડીઓ અને લોખંડના પાઇપ કાઢી સોલંકી પરિવારના ઘરમાં પ્રવેશ કર્યો હતો. એક શખ્સે મમતાના પતિ ગોપાલ જ્યાં સૂતા હતા તે રૂમમાં જઈ લાકડી વડે માર માર્યો હતો. ગોપાલ ત્યાંથી ભાગીને સીમ તરફ જતા રહ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ઘરમાં અન્ય પરિવારજનોની શોધખોળ કરી હતી.
મમતાના જણાવ્યા મુજબ, તેમના મુકબધિર દિયર નાનીયાને રૂમમાંથી બહાર કાઢી લાકડી અને લોખંડના પાઇપ વડે માથા તથા શરીરના ભાગે માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે નાનીયો બેભાન થઈ ગયા હતા અને માથામાંથી લોહી નીકળ્યું હતું. હુમલાખોરોમાંથી એકે નાનીયાને મૃત માની અન્ય લોકોને શોધવા જણાવ્યું હતું. આ દરમિયાન પરિવારજનોએ નાનીયાને લાકડાના કબાટની પાછળ છુપાવી દીધો હતો. ત્યારબાદ આરોપીઓ ઘરની બહાર ઢાળિયામાં સૂતા ભીમા પાસે પહોંચ્યા હતા અને તેમના પર પણ લાકડી તથા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
હુમલા બાદ આરોપીઓએ બકરા ખેતરમાં ચરવા આવતાં પાકને નુકસાન થતું હોવાનું કહી પરિવાર સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ગનધારી શખ્સે પરિવાર તરફ ગન તાકી હવામાં ફાયરિંગ કર્યું હતું અને હવે પછી બકરા ખેતરમાં ચરવા આવશે તો જીવતા નહીં છોડવાની ધમકી આપી હતી. મમતા દ્વારા ફરિયાદમાં જણાવ્યું છે કે, હુમલા દરમિયાન ગનથી ફાયરિંગ કરનાર શખ્સને અન્ય લોકો ‘ધ્રુવરાજભાઈ’ તરીકે અને ગાડીના ડ્રાઇવરને ‘સમીર’ તરીકે સંબોધતા હતા. અન્ય ચાર શખ્સોને તેઓ નામથી ઓળખતા ન હોવાનું જણાવ્યું છે. ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા.