
ચોમાસાની ત્રણ મહિનાની સિઝનમાં અમદાવાદ માટે ગણતરીના કેટલાક દિવસો જ સૌથી વધુ વરસાદવાળા સાબિત થયા છે. ચોક્કસ રીતે કહીએ તો માત્ર ૧૧ દિવસમાં શહેરમાં સિઝનના કુલ વરસાદનો ૮૩ ટકા વરસાદ નોંધાયો હતો. આ ભારે વરસાદ જુલાઈ અને સપ્ટેમ્બરના કેટલાક દિવસોમાં પડ્યો હતો.
અમદાવાદમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું સત્તાવાર આગમન ૧ જુલાઈએ થયું હતું, જ્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં એક સપ્તાહ મોડું પહોંચ્યું હતું, બીજી તરફ ૩ ઓક્ટોબરે અમદાવાદમાંથી ચોમાસાની વિદાય થઈ, જે સામાન્ય સમય કરતાં મોડી હતી. સમગ્ર સિઝન દરમિયાન રાજ્યમાં વરસાદની પેટર્ન અત્યંત અનિયમિત રહી હતી.
અમદાવાદ માટે આ ચોમાસાની સૌથી મોટી ઘટના ૨૩ જુલાઈ રહી હતી. આ દિવસે ધોધમાર વરસાદના કારણે માત્ર ૨૪ કલાકમાં ૧૧.૬૫ ઈંચ વરસાદ ખાબક્્યો હતો. એક જ દિવસમાં પડેલો આ વરસાદ મોસમના કુલ વરસાદના ૩૫ ટકા જેટલો હતો. મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં સિઝનના સામાન્ય વરસાદની સરખામણીએ વરસાદનો આંકડો ૭૫.૮ ટકા હતો, જે ૧ ઓક્ટોબર સુધીમાં વધીને ૧૦૭.૩ ટકા થઈ ગયો હતો.
સમગ્ર ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ સામાન્યના ૮૯ ટકા એટલે કે સામાન્ય કરતાં ૧૧ ટકા ઓછો નોંધાયો છે, જાકે આ વર્ષે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની અસમાનતા ખૂબ જ જાવા મળી હતી. એક તરફ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં સામાન્ય કરતાં ૩૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો, બીજી તરફ સૌરાષ્ટÙના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારોમાં ૬૦ ટકા કે તેથી વધુ વરસાદની ઘટ નોંધાઈ હતી.
ભારતીય હવામાન વિભાગે તાજેતરમાં આ વર્ષના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અંગેનું વિશ્લેષણ જાહેર કર્યું છે, તેમાં જણાવાયું છે કે આ વર્ષે અતિભારે વરસાદની ઘટનાઓ દેશના મધ્ય ભાગના કેટલાક વિસ્તારોમાં કેન્દ્રિત રહી હતી. આ વિસ્તારોમાં કોંકણ અને ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, કેરલમ અને ગંગાના પશ્ચિમ બંગાળના વિસ્તારોનો સમાવેશ થાય છે. નકશાના વિશ્લેષણ મુજબ આશરે ૧૧૫થી ૨૦૪ મિમી વરસાદની ૫૧ અતિભારે વરસાદની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે ૨૦૪ મિમીથી વધુ વરસાદની આશરે ૩૪ અત્યંત ભારે વરસાદની ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રિત રહી હતી.