ભાજપના ૧૨ ઉમેદવારોની એફિડેવિટ મુદ્દે આપ ચૂંટણી પંચમાં રજૂઆત કરશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વર્તમાન ચૂંટણીમાં કચ્છ ચૂંટણીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને બન્યો છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા કચ્છ તેમની ચૂંટણીમાં એક સરખા જ ખર્ચના આંકડા મૂકવામાં આવતા આ બાબતને હવે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી મુદ્દા બનાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ લીગલ સેલના અધ્યક્ષ એડવોકેટ પ્રણવ ઠક્કર અને ઉપાધ્યક્ષ એડવોકેટ મેહુલ શ્રીમાળીએ ગાંધીનગરમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી ભાજપના ૧૨ ઉમેદવારોના અગાઉના એફિડેવિટ અને ચૂંટણી પંચ સમક્ષ થયેલી કાર્યવાહીને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

મનોજ સોરઠિયાના જણાવ્યા મુજબ, અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના કેટલાક કોર્પોરેટરોના એફિડેવિટમાં ગેરરીતિ હોવાના આક્ષેપો બાદ ચૂંટણી પંચે તેમને નોટિસો પાઠવી હતી. ‘આપ’નો દાવો છે કે આ મામલે પાંચ વર્ષ દરમિયાન આશરે ૨૨ જેટલી સુનાવણીઓ થઈ હતી, જેમાં કેટલાક કોર્પોરેટરો હાજર રહ્યા નહોતા અથવા સંતોષકારક જવાબ આપી શક્્યા નહોતા. તેમ છતાં આ પૈકીના ૧૨ જેટલા પૂર્વ કોર્પોરેટરોને ભાજપે ફરી ઉમેદવારી આપી હોવાનો સોરઠિયાએ દાવો કર્યો હતો.

‘આપ’ હવે આ મુદ્દે ચૂંટણી પંચમાં લેખિત રજૂઆત કરીને સંબંધિત ૧૨ ઉમેદવારોની ઉમેદવારી અંગે કાયદેસર નિર્ણય લેવા માંગ કરશે. સોરઠિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાના કિસ્સામાં કાયદાકીય જાગવાઈઓ લાગુ પડી શકે છે અને જરૂર પડશે તો પક્ષ આ મામલે કોર્ટનો પણ સંપર્ક કરશે. જાકે, આ તમામ આક્ષેપો અંગે અંતિમ નિર્ણય સક્ષમ ચૂંટણી અથવા ન્યાયિક સત્તાધિકારી દ્વારા જ થવાનો રહેશે.

સોરઠિયાએ વધુમાં કહ્યું હતું કે, જા કોઈ ઉમેદવારની ઉમેદવારી ચૂંટણી બાદ રદ થાય અને ફરી ચૂંટણી યોજવાની સ્થતિ ઊભી થાય તો જાહેર નાણાંનો ખર્ચ થઈ શકે છે. તેમણે મતદારોને ઉમેદવારોના અગાઉના રેકોર્ડ અને એફિડેવિટ સહિતની વિગતો ધ્યાનમાં લઈને મતદાન કરવાની અપીલ કરી હતી.

ભાજપના શાસનકાળ અંગે પણ સોરઠિયાએ આક્ષેપો કરતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે આવ્યા છે અને આવા મુદ્દાઓને લઈને ભાજપને જનતા સમક્ષ જવાબ આપવો જાઈએ. બીજી તરફ, તેમણે કોંગ્રેસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં કોંગ્રેસ ભાજપને ગુજરાતમાં સત્તાથી હટાવી શકી નથી.

સોરઠિયાએ દાવો કર્યો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે નવી કે બહારની પાર્ટી રહી નથી અને સ્થાનિક સ્તરે તેનો જનાધાર વધી રહ્યો છે. ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસ કરતાં વધુ મત મેળવી મહાનગરપાલિકાની બોડી બનાવવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

પત્રકારોના પ્રશ્નોના જવાબમાં સોરઠિયાએ જણાવ્યું કે રાજકારણમાં મુખ્યત્વે જનહિતના મુદ્દાઓ પર ચર્ચા થવી જાઈએ. લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે, મૂળ પ્રશ્નો પરથી ધ્યાન ભટકે અથવા જાતિવાદને પ્રોત્સાહન મળે તેવા નિવેદનોથી રાજકીય અને સામાજિક આગેવાનોએ દૂર રહેવું જાઈએ.