જમીન દલાલે ખોટી ઓળખ આપી મુસ્લીમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ત્રીજીવાર ગર્ભવતી બનતાં પીડિતાએ ભાંડો ફોડ્યો

શહેરમાં પોતાની અસલી ઓળખ છુપાવી મુસ્લીમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જમીન દલાલ સુનીલ મહીડાએ સમીર ઉસ્માનમિયા નામનું બોગસ આઈડી બનાવી લઘુમતી સમાજની યુવતી સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા અને બે વાર ગર્ભપાત કરાવ્યાનો ગંભીર આક્ષેપ છે. પીડિતા ત્રીજી વાર ગર્ભવતી બનતાં સમગ્ર મામલો ગોત્રી પોલીસ મથકે પહોંચ્યો છે.

ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સુનીલ મહીડા નામના શખ્સે સમીર ઉસ્માનમિયા નામનું ઓળખપત્ર બનાવી મુસ્લીમ યુવતીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ અકોટા, ગોત્રી અને ભાયલીની હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. યુવતી બે વાર ગર્ભવતી બનતાં તેનો ગર્ભપાત કરાવી દેવાયો હતો.

હાલ પીડિતા ફરી ગર્ભવતી બનતાં અને લગ્ન માટે દબાણ કરતાં આરોપીએ તેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાના પરિવારે ફરિયાદ માટે અનેક પોલીસ મથકોના ધક્કા ખાધા બાદ પોલીસ કમિશનરના હસ્તક્ષેપથી ગુનો નોંધાયો હતો. આરોપી અગાઉ પણ ખંડણીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે.

ઓળખ છુપાવીને યુવતીનું શારીરિક અને માનસિક શોષણ કરનાર આરોપી સામે હવે કાયદાનો કોળિયો કસાઈ ચૂક્્યો છે. પરંતુ બનાવટી ઓળખપત્ર બનાવવા પાછળનું ષડયંત્ર, ગેરકાયદે ગર્ભપાતમાં કોની સંડોવણી હતી અને પીડિતાને અપાયેલી ધમકીઓ પાછળનું સાચું સત્ય પોલીસ તપાસ અને રિમાન્ડ દરમિયાન જ બહાર આવશે. હાલ ગોત્રી પોલીસે તમામ પાસાઓ પર તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.