
પંચમહાલ જિલ્લા શૈક્ષણિક તંત્ર દ્વારા ગોધરા તાલુકાના સખીદાસની મુવાડીની શાળાને વટલાવ શાળામાં મર્જ કર્યા બાદ ચાર જ દિવસમાં મર્જનો ઓર્ડર રદ્દ કરી દીધો હતો. બંને શાળાનુ શૈક્ષણિક કાર્ય ગુંચવાતા અને બે શિક્ષકોની બદલી થઈ જતાં બંને ગામના વાલીએ બંને શાળાની તાળાબંધી કરી શૈક્ષણિક કાર્ય યથાવત કરવા માંગ કરી છે.
વટલાગ ગ્રામ પંચાયતમાં સમાવેશ સખીદાસની મુવાડી ગામની ધો.-૧ થી ૫ ના ૧૮ બાળકોના મહેકમને લઈ પંચમહાલ જિલ્લા શિક્ષણ તંત્રે તા.૩૧/૦૭/૨૬ ના રોજ સખીદાસની મુવાડીની શાળાને વટલાવ પ્રા.શાળા સાથે મર્જ કરવાનો હુકમ કર્યો હતો. જે બાદ સખીદાસની મુવાડીના ગ્રામજનોએ કરેલી રાજકિય ભલામણ હેઠળની રજુઆતને લઈ ચાર દિવસ બાદ મર્જનો ઓર્ડર રદ્દ કર્યો હોવા છતાં સખીદાસની મુવાડીની શાળાનુ શૈક્ષણિક કાર્ય હજુ રાબેતા મુજબ શ નહિ થતાં વાલીઓમાં રોષ ફેલાયો છે. બંને શાળાના શિક્ષણ વ્યવસ્થા ખોરવાતા વાલીઓએ બંને શાળાની તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. સખીદાસની મુવાડીની પ્રા.શાળાને મર્જ કરવાના હુકમને ધોરણે શાળાના ૧૮ બાળકો અને બે શિક્ષકોને વટલાવ પ્રા.શાળાના ઓનલાઈન પોર્ટલમાં સમાવેશ કરતા વટલાવ પ્રા.શાળાના ધોે.-૧ થી ૫ના ૯૦ કરતા વધારે બાળકોના મહેકમ મુજબ વટલાવ શાળાના ૪ શિક્ષકો અને સખીદાસની મુવાડીના બે શિક્ષકો મળી કુલ ૬ શિક્ષકો થઈ જતાં ૪ શિક્ષકો રાખવાના મહેકમ મુજબ વટલાવ પ્રા.શાળાના એક અને સખીદાસની મુવાડીના એક શિક્ષકની તાત્કાલિક અસરથી બદલી કરવાની સ્થિતિ સર્જાઈ હતી. મર્જનો નિર્ણય રદ્દ થયા પછી છેલ્લા એક મહિનાથી શાળાની વહીવટી વ્યવસ્થા વટલાવ શાળામાં યથાવત રહેતા સખીદાસની મુવાડીના શાળાના બાળકો અને શિક્ષકોની હાજરી સહિતના ઓનલાઈન પોર્ટલ માટે વટલાવ સુધીના હુકમ અને ધકકા ખાવા પડતા મર્જનો હુકમ રદ્દ કર્યા પછી એક મહિનાથી બંને શાળાઓ પુર્વવત નહિ થતાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડી રહી છે.