ગોધરા સિવિલમાં સારવાર દરમિયાન સિકલસેલ પીડિત યુવકનુ મોત થતાં પરિવારનો હોબાળો

ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૮ વર્ષના સિકલસેલ પીડિત યુવકનુ મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફની કામગીરી સામે સવાલો ઉઠાવી હોબાળો મચાવ્યો હતો.

રણધિકપુર નજીક આવેલા મંડેર ગામનો રહેવાસી પ્રદિપ રણજીતભાઇ સિકલસેલ અને તાવની બિમારીથી પીડિત હતો. તેની તબિયત વધુ લથડતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને મેલ મેડિકલ વોર્ડમાં ખસેડી જયાં લોહી ચઢાવવાની પ્રક્રિયા શ‚ કરી હતી. દરમિયાન રાત્રે આશરે ૧૨ વાગ્યે પ્રદિપને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ સમયે તેના પિતા રંગીતભાઈએ વોર્ડમાં હાજર સ્ટાફને બોલાવવા બે વખત પ્રયાસ કર્યો હતો. પિતાના આક્ષેપ મુજબ સ્ટાફ સમયસર સારવાર માટે આવ્યો ન હતો. તે બાદ તબીબે યુવકની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતથી પરિવારે હોસ્પિટલમાં આક્રંદ સાથે વિરોધ નોંધાવ્યો હતો. મેલ મેડિકલ વોર્ડના તબીબના જણાવ્યા મુજબ યુવકની હાલત હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે જ અત્યંત ગંભીર હતી.તેના શરીરમાં લોહીનુ પ્રમાત્ર માત્ર ચાર ટકા જેટલુ હોવાથી હૃદય પર ભારે દબાણ આવતુ હતુ. તેને ઓક્સિજન આપીને સઘન સારવાર શ‚ કરી હતી. લોહી ચઢાવવાની પ્રક્રિયા દરમિયાન અચાનક શ્ર્વાસ લેવામાં તકલીફ વધી જતાં યુવકનુ મોત નીપજયું હતુ.