વડોદરા ખાતે દેલોલ મિત્ર મંડળ દ્વારા શરદ પૂર્ણિમા ઉત્સવ: ગીત-સંગીતની રમઝટ અને દૂધ-પૌઆના આસ્વાદ સાથે ઉજવણી

વડોદરા શહેરમાં છેલ્લા ૨૬ વર્ષથી સક્રિય દેલોલ મિત્ર મંડળ દ્વારા કમાટીબાગ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડળ દ્વારા વર્ષમાં બે મુખ્ય પ્રોગ્રામો યોજવામાં આવે છે, જેમાં શરદ પૂર્ણિમાનો આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.આ આનંદોત્સવમાં દેલોલ ગામના મોટી સંખ્યામાં વતનીઓ અને પરિવારજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે ઉપસ્થિત સૌએ મધુર ગીત-સંગીતના કાર્યક્રમની સાથે અદભુત મનોરંજન માળ્યું હતું. આ સાથે જ, મંડળમાં જોડાયેલા નવા સભ્યોએ પોતાનો પરિચય આપીને સૌની સાથે હૂંફાળો પરિચય કેળવ્યો હતો.સૌએ સાથે મળીને શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં પરંપરાગત રીતે દૂધ-પૌઆનો આસ્વાદ માણ્યો હતો અને અરસપરસ આનંદ-ઉત્સવ મનાવ્યો હતો. આ મિલન સમારોહથી ઉપસ્થિત વતનીઓમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો અને ઉત્સાહનો અદભુત માહોલ જોવા મળ્યો હતો.