ઝાલોદમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા ગુજરાત શહેરી આજીવિકા મિશનના સહયોગથી નગરપાલિકા દ્વારા સાત દિવસીય મેળાનું આયોજન.

સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન અને વેપારીઓને નવી તક આપવા પહેલ; બાળકો માટેની રમતો આકર્ષણનું કેન્દ્ર બની.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (ગુજરાત શહેરી આજીવિકા મિશન) તથા ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂત બનાવવાના હેતુથી ઝાલોદના બાંસવાડા રોડ પર પોલીસ સ્ટેશન સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાત દિવસીય સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૫ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી યોજાનારા આ મેળાનો ઝાલોદ ૧૩૦ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ એસ. ભૂરીયાના હસ્તે રિબન કાપીને અને દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઝાલોદ નગરપાલિકાનાં પ્રમુખ રેખાબેન ટી. વસૈયા, ઇન્ચાર્જ ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામા, કારોબારી ચેરમેન દિનેશભાઈ એસ. પંચાલ સહિત નગરપાલિકાના કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર મંચ સંચાલન રાજેશભાઈ પંચાલે કર્યું હતું, જ્યારે કારોબારી ચેરમેન દિનેશભાઈ પંચાલે પ્રારંભિક ઉદ્બોધન કર્યું હતું.

સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગથી સ્થાનિક વેપારને વેગ મળશે : ધારાસભ્ય મહેશ ભૂરીયા : મેળાના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાએ સ્વદેશી મેળાના આયોજનને આવકારતાં જણાવ્યું હતું કે, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું, સ્થાનિક કારીગરો અને વેપારીઓને યોગ્ય બજાર પૂ‚ં પાડવું તથા નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી પ્રત્યે જાગૃતિ લાવવી અત્યંત જ‚રી છે. આવા મેળાઓના આયોજનથી સ્થાનિક સ્તરે તૈયાર થતી વસ્તુઓને લોકો સુધી પહોંચાડવાની તક મળે છે અને નાના વેપારીઓ તથા સ્વરોજગાર સાથે સંકળાયેલા લોકોને પોતાની આવડત અને ઉત્પાદનો રજૂ કરવા માટે મંચ મળે છે.

તેમણે દર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલના સંદેશને સાકાર કરવા નાગરિકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અપીલ કરી હતી. સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધવાથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળે છે, રોજગારીની નવી તકો ઊભી થાય છે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળી શકે છે. ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ પહેલ સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને આજીવિકા મેળવવા માટે કાર્યરત લોકો માટે ઉપયોગી સાબિત થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

ધારાસભ્યએ સ્ટોલની મુલાકાત લીધી, બાળકોને ખરીદી કરાવી : મેળાના પ્રારંભ બાદ ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ ઉત્પાદનોની માહિતી મેળવી હતી. આ દરમિયાન ધારાસભ્યએ બાળકોને ખરીદી કરાવી તેમના પ્રત્યેનો સ્નેહ પણ વ્યક્ત કર્યો હતો. બાળકો માટે વિશેષ રમતગમત અને મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જે મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પરિવાર સાથે મેળાની મુલાકાતે આવતા નગરજનો માટે ખરીદીની સાથે મનોરંજનનો પણ અવસર ઊભો થયો છે.

૩૧ ઓક્ટોબર સુધી મેળાનો લાભ લઈ શકાશે : ઝાલોદ નગરપાલિકા દ્વારા આયોજીત આ સ્વદેશી મેળો તા. ૨૫ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી સાત દિવસ ચાલશે. દરરોજ સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી નગરજનો મેળાની મુલાકાત લઈ શકશે. નગરજનોને સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવા અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.

સર્જનથી સમૃદ્ધિ સુધી, આત્મનિર્ભર સખી, દર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલના સંદેશ સાથે યોજાયેલા આ મેળા દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને શહેરી આજીવિકાને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.