ગોધરા તાલુકાના કેવડિયા ગામે દાહોદ તરફ જવાના હાઈવે ઉપર એલસીબી પોલીસે નાકાબંધી કરી પીકઅપ ડાલામાં લઈ જવાતો રૂ.૨૭,૫૧,૩૬૦/-નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી ચાલકને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પંચમહાલ એલસીબી પો.સ.ઈ.બી.એમ.રાઠોડને બાતમી મળી હતી કે, એક બોલેરો પીકઅપ ડાલામાં વિદેશી દારૂ નો મોટો જથ્થો ભરી પરવડી ચોકડી તરફથી નીકળી સંતરોડ તરફ જનાર છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસે દાહોદ હાઈવે પર નાકાબંધી કરી હતી. જે દરમિયાન બાતમી મુજબનુ પીકઅપ ડાલુ આવતા તેને રોકી ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનુ નામ ગોગારામ જયકિશન ગાંદારા(બિશ્ર્નોઈ, રહે.ચંપાબેરી, તા.સેડવા, જિ.બાડમેર, રાજસ્થાન)હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે પીકઅપ ડાલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.૨૭,૫૧,૩૬૦/-નો દારૂ અને પીકઅપ ડાલુ મળી કુલ રૂ.૩૨,૫૭,૩૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક ગોગારામની ધરપકડ કરી હતી. જેની વધુ પુછપરછમાં આ હેરાફેરીમાં રાજુ ગુર્જર, મનીશ મહારાજ, વિદેશી દારૂ ભરી આપનાર અને પાયલોટિંગ કરનાર તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કુલ મળી ૫ સહ આરોપીઓ હોવાનુ જણાવતા પોલીસે તમામને વોન્ટેડ જાહેર કરી તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.