વેજલપુર થી મદીના પ્રવાસે ગયેલ મન્સુરી પરિવાર રૂ.૧.૦૫ લાખ ખર્ચ વધારે ખર્ચી ૪૮ કલાક બાદ પરત ફર્યા

સાઉદી અરેબિયામાં હૂતી બળવાખોરોના વધતા જતાં મિસાઇલ અને ડ્રોન હુમલાને કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ જતાં વૈશ્ર્વિક સ્તરે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુરક્ષાના કારણોસર અકાસા એરલાઇન્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થતાં હજારો યાત્રિકો અટવાયા છે.

આ ગંભીર સ્થિતિ વચ્ચે પંચમહાલ જીલ્લાના વેજલપુર ગામના દીવાન ફળિયામાં રહેતો મન્સૂરી પરિવાર ૪૮ કલાકની સતત અને કપરી મુસાફરી કરીને સલામત રીતે વતન પરત ફર્યો છે.

ખાનગી ટૂર્સ મારફતે રાજ્યમાંથી વડોદરા ખાતેથી કુલ ૫૪ લોકો ૧૫ દિવસની ઉમરાહ યાત્રા અર્થે સાઉદી અરેબિયા ગયા હતા. જેમાં વેજલપુરના ઇલ્યાસભાઈ મન્સૂરી, ૩ મહિલાઓ અને ૨ પુરૂષો સહિત પરિવારના ૫ સભ્યો સામેલ હતા. પરત ફરવાના સમયે જ હૂતી હુમલાઓને કારણે સાઉદીના મુખ્ય એરપોર્ટ અને અકાસા એરલાઇન્સની સેવાઓ અચાનક ઠપ્પ થઈ ગઈ હતી.

૧૨ કલાકની બસ મુસાફરી અને અટવાઈ પડેલા મન્સૂરી પરિવારે હિંમત ન હારી મદીનાથી ૭૫૦ કિલોમીટર દૂર આવેલા ટબુક શહેર સુધી ૧૨ કલાક બસમાં સતત મુસાફરી કરી હતી.

ત્યાંથી તેમણે એર અરેબિયાની ફ્લાઇટ પકડી શારજાહ (દુબઈ) થઈ અમદાવાદ પહોંચ્યા હતા. કટોકટીના કારણે ઇમરજન્સી ટિકિટ લેતાં વ્યક્તિ દીઠ રૂ. ૨૧,૦૦૦ લેખે કુલ રૂ. ૧,૦૫,૦૦૦ નો વધારાનો નાણાકીય બોજ સહન કરવો પડ્યો હતો.અને સહી સલામત ભારત પરત ફર્યા હતા.

રાહતનો શ્ર્વાસ લીધો છે એરલાઇન્સ બંધ થતાં પરિવાર સાથે સુરક્ષિત બહાર નીકળવું મોટો પડકાર હતો. સતત ૪૮ કલાકની અવિરત મુસાફરી બાદ ભારતમાં પગ મૂકતાં જ અમે રાહતનો શ્ર્વાસ લીધો છે. ઇલ્યાસ મન્સૂરી, યાત્રાળુ, વેજલપુર…