
અમદાવાદ શહેરમાં ૨૫મી ઓક્ટોબરે વિવિધ વિસ્તારોમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે દરરોજ હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. બહેરામપુરા, શાહપુર દરવાજા, બાપુનગર અને ખોખરા જેવા વિસ્તારોમાં પીવાના પાણીની મુખ્ય લાઈનોમાં ભંગાણ સર્જાતાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. લોકો સુધી પીવાનું પાણી પહોંચવાને બદલે રસ્તા પર વહી ગટરમાં ભળી રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા આળસ દાખવવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી લીકેજ અંગે મ્યુનિસિપલ તંત્રમાં વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. પશ્ચિમ અમદાવાદના કોઈ વિસ્તારમાં નાની અમથી ફરિયાદ ઉઠે તો તંત્ર રાતોરાત કામગીરી પૂર્ણ કરી દે છે, પરંતુ પૂર્વના વિસ્તારોમાં લાઈનોના સમારકામ માટે સત્તાધીશો જાણે શુભ ચોઘડિયાની રાહ જાઈને બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
બાપુનગરમાં આવેલા ચાંદોડિયા પોલીસ ચોકી નજીક બ્લોક નંબર ૨૫ નજીક છેલ્લા એક અઠવાડિયાથી પાણીની પાઈપલાઈન તૂટી ગઈ છે, જેના કારણે સેંકડો લીટર ચોખ્ખું પાણી રસ્તા પર વહીને ગટરમાં જઈ રહ્યું છે. બીજી તરફ, ખોખરાના સર્વોદયનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૧૬૭ આગળ તો છેલ્લા ૨૦ દિવસથી લાઈનમાં ભંગાણ પડ્યું છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન આંખ આડા કાન કરીને બેઠું છે.ગુજરાત પ્રવાસ ગાઈડ
૨૪ કલાક પાણી રસ્તા પર ભરાયેલું રહેવાના કારણે માર્ગો પર ભારે ચિકાશ સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકો સ્લીપ થઈ જવાનો અને વાહન વ્યવહાર ખોરવાવાનો ભય ઊભો થયો છે. આ ઉપરાંત, લાઈનમાં લીકેજના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં અત્યંત ઓછા પ્રેશરથી પાણી આવી રહ્યું છે, જેનાથી રહીશોની દૈનિક જરૂરિયાતો પણ પૂરી થઈ શકતી નથી. માત્ર આ બે વિસ્તારો જ નહીં, પરંતુ દાણીલીમડા, અમરાઈવાડી અને શાહીબાગ વિસ્તારમાં પણ આ જ પ્રકારે પાણીની લાઈનોમાં લીકેજ હોવાના અહેવાલો સામે આવ્યા છે.