
અમદાવાદના વટવા વસંત ગજેન્દ્રગડકર નગર (ચાર માળિયા) ખાતે દરોડો પાડી નશાકારક કોડીનયુક્ત કફ સીરપના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રિક્ષા અને સ્કૂટરમાં છુપાવેલો ૬૯,૧૬૫ રૂપિયા કિંમતની ૨૬૫ બોટલનો જથ્થો જપ્ત કરી ૧૯ વર્ષીય મોહસીન શેખની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા સબ્બીર શેખને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં રહેણાક વિસ્તારના પા‹કગમાં વાહનો પાર્ક કરી તેને ‘ગોડાઉન’ બનાવી છૂટક ગ્રાહકોને નશા માટે બોટલો વેચવામાં આવતી હતી.
વટવા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વસંત ગજેન્દ્રગડકર નગર ખાતે રહેતો મોહસીન નઝીર શેખ બ્લોક નંબર ૧૯ અને ૨૦ વચ્ચેના પા‹કગમાં સીએનજી રિક્ષા રાખી તેમાં કોડીન કફ સીરપ રાખીને છૂટકમાં વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા રિક્ષા અને સ્કૂટરમાંથી કોડીનયુક્ત કફ સીરપની સીલબંધ કુલ ૨૬૫ બોટલો મળી આવી હતી. પોલીસે એક બોટલની કિંમત ૨૬૧ રૂપિયા ગણી ૬૯,૧૬૫ રૂપિયાની કફ સીરપ, ૮૦,૦૦૦ રૂપિયાની રિક્ષા, ૫૦,૦૦૦ રૂપિયાનું સ્કૂટર અને ૧૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨,૦૯,૧૬૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે વટવા પોલીસે મોહસીન નઝીર શેખની અટકાયત કરી તેની સામે તથા વોન્ટેડ સબ્બીર મોહમદહુસેન શેખ સામે સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે રહેણાક વિસ્તારના પા‹કગમાં વાહનો પાર્ક કરી તેને ‘ગોડાઉન’ બનાવી છૂટક ગ્રાહકોને નશા માટે બોટલો વેચવામાં આવતી હતી. આ નેટવર્કમાં સબ્બીર શેખની ભૂમિકા મુખ્ય સપ્લાયર તરીકે શંકાના દાયરામાં છે. પ્રતિબંધિત કોડીન કફ સિરપનો આટલો મોટો જથ્થો કઈ ફાર્માસ્યુટિકલ એજન્સી કે રાજ્ય બહારના ડીલર પાસેથી બિલ વગર મેળવાયો હતો તે દિશામાં વટવા પોલીસે પૂછપરછ શરૂ કરી છે.