
ગુજરાતમાં પોલીસ દમન, તાનાશાહી અને કથિત ખોટા પોલીસ કેસોના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર Âસ્થત ગુજરાત પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જગદીશ ઠાકોર સહિતના આગેવાનોની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ ભવન તરફ કૂચ કરી હતી.
આ દરમિયાન પોલીસ દ્વારા માર્ગ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હોવા છતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બેરિકેડ હટાવી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ ભવનના ગેટ સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. કોંગ્રેસના દાવા મુજબ, પહેલી વખત પક્ષના આગેવાનો પોલીસ ભવનના ગેટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાને પગલે આગામી દિવસોમાં કોંગ્રેસ રાજ્યમાં વધુ આક્રમક રાજકીય ભૂમિકા ભજવે તેવી શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે.
કોંગ્રેસના આવેદન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા પોલીસ ભવન તરફ જતા માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરીને કોંગ્રેસના કાર્યકરોને આગળ વધતા અટકાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જાકે, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડા સહિતના આગેવાનોની આગેવાનીમાં કાર્યકરો આગળ વધ્યા હતા. આ દરમિયાન બેરિકેડ હટાવીને પોલીસ ભવનના ગેટ સુધી પહોંચતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર તંગદિલીનો માહોલ જાવા મળ્યો હતો.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં ભાજપના ઈશારે કેટલાક પોલીસ અધિકારીઓ કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરે છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારીપત્રો પાછા ખેંચાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પોતાની માતા અને બહેન સામે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત, ઠાકોર સમાજની એક ગરીબ દીકરીની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કથિત ષડયંત્ર રચ્યું હોવાનો દાવો કર્યો હતો. મેવાણીએ ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ પર રૂ. ૧૧ કરોડની માગણી કરવાનો ગંભીર આક્ષેપ કરીને તેમની સામે ફોજદારી ગુનો નોંધવા અને તેમને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી.પોલીસ ભવન તરફ કૂચ દરમિયાન બેરિકેડ હટાવી ગેટ સુધી પહોંચવાની ઘટના અને પોલીસ સાથે થયેલી ઝપાઝપીથી ગાંધીનગરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે પોલીસ તંત્ર સામેના આક્ષેપો સાથે આક્રમક વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાના પગલે આગામી દિવસોમાં કોંગ્રેસ આ મુદ્દાને રાજ્યવ્યાપી સ્તરે ઉઠાવે અને સરકાર સામે વિરોધ વધુ તેજ કરે તેવી શક્્યતાઓ વ્યક્ત થઈ રહી છે.નોંધનીય છે કે, કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સંબંધિત પોલીસ અધિકારીઓનો પક્ષ આ અહેવાલ તૈયાર કરતી વેળાએ ઉપલબ્ધ નહોતો.