અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને ૬ લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ

અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં ધોરણ ૯ના વિદ્યાર્થીને વર્ગખંડમાં સતત ૬ લાફા મારવાના મામલે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાળાએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કમિટી બનાવી છે અને શિક્ષકને નોટિસ આપીને ખુલાસો માગ્યો છે. બીજી તરફ, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગત ૧૪ ઓક્ટોબરના રોજ બપોરે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલયમાં આ ઘટના બની હતી. ધોરણ ૯નો વિદ્યાર્થી વર્ગખંડમાં પહેલી બેન્ચ પર બેઠો હતો. આ દરમિયાન શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીએ અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં તેને સતત ૬ લાફા માર્યા હતા.

વિદ્યાર્થી વર્ગખંડમાં અવાજ કરતો હોવાથી શિક્ષકે તેને માર માર્યો હોવાની વિગતો સામે આવી છે. માર માર્યા બાદ વિદ્યાર્થીને વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચેલા વિદ્યાર્થીએ સમગ્ર ઘટના અંગે માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ વાલીએ આ મામલે ગંભીરતા દાખવી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂઆત કરી હતી.

વાલીની રજૂઆત અને ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મામલે કાર્યવાહી શરૂ થઈ હતી. શાળાએ સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટી બનાવી છે. આ ઉપરાંત સંબંધિત શિક્ષકને નોટિસ આપીને તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે.

શાળાએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પણ પોતાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ અને જવાબ રજૂ કર્યો છે. તપાસ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તપાસના તારણોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ પણ તપાસ હાથ ધરી છે.ડીઇઓ દ્વારા શાળાને નોટિસ પાઠવી આચાર્ય પાસેથી ખુલાસો માગવામાં આવ્યો હતો. સાથે જ શિક્ષણ નિરીક્ષકને શાળાની સ્થળ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.

હવે શિક્ષણ નિરીક્ષક સ્થળ તપાસ કરીને સમગ્ર ઘટનાનો અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને સોંપશે. આ રિપોર્ટના આધારે ડ્ઢઈર્ં દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.