
જીયો પ્લેટફોર્મ્સના આઇપીઓએ ભારતીય પ્રાથમિક બજારના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. રિલાયન્સ જીયોના આઇપીઓએ રોકાણકારોમાં એવો ઉત્સાહ જગાડ્યો છે કે તેણે અગાઉના તમામ વૈશ્વીક રેકોર્ડ તોડી નાખ્યા છે. પબ્લીક અને એન્કર બિડ્સ સહિત, આ આઇપીઓને રેકોર્ડબ્રેક કુલ ૭.૪ લાખ કરોડ મળ્યા. આ સિંગલ આઇપીઓ માટે કુલ બિડ રકમ ૨૬ ભારતીય રાજ્યોના વાર્ષિક બજેટ કરતા વધારે છે.
જીયોના આઇપીઓ (૭.૪ લાખ કરોડ) ની કુલ બિડ કિંમતની સરખામણી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઘણા મોટા રાજ્યોના કુલ બજેટ ખર્ચ સાથે કરીએ તો, આંકડા ખૂબ જ ચોંકાવનારા છેઃ
રાજસ્થાનઃ બજેટ ખર્ચ ૬.૧૧ લાખ કરોડ
તમિલનાડુઃ બજેટ ખર્ચ ૫.૨૫ લાખ કરોડ
કર્ણાટકઃ બજેટ ખર્ચ ૪.૪૮ લાખ કરોડ
પશ્ચિમ બંગાળઃ બજેટ ખર્ચ ૪.૩૯ લાખ કરોડ
મધ્યપ્રદેશઃ બજેટ ખર્ચ ૪.૨૩ લાખ કરોડ
આ સરખામણી સ્પષ્ટપણે દર્શાવે છે કે જીયોના આઇપીઓમાં પ્રાપ્ત રોકાણ રકમ દેશના સૌથી મોટા રાજ્યોના કુલ બજેટ ખર્ચ કરતા ઘણી વધારે છે.
જિયોના આઇપીઓમાં માત્ર પૈસાનો પ્રવાહ જ જાવા મળ્યો નહીં, પરંતુ અરજીઓનો નવો વૈશ્વીક રેકોર્ડ પણ સ્થાપિત થયો. આ આઇપીઓ માટે કુલ ૧.૩૯ કરોડ અરજીઓ મળી હતી. આ સંખ્યા યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડનની કુલ વસ્તીના આશરે ૧.૫ ગણી છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ૧૯૩ સભ્ય રાજ્યોમાંથી ૧૧૮ રાજ્યોની કુલ વસ્તી ૧.૩૯ કરોડથી ઓછી છે. જો આ ૧.૩૯ કરોડ અરજદારોને એક અલગ દેશ ગણવામાં આવે, તો આઇપીઓ માટે અરજદારોની સંખ્યાના આધારે જીયો વિશ્વનો ૭૫મો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે.
જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓએ સાબિત કર્યું છે કે ભારતીય શેરબજાર અને છૂટક રોકાણકારોની સંભાવના હવે વૈશ્વીક સ્તરે મોખરે છે. જંગી બોલી અને પ્રાપ્ત થયેલી લાખો અરજીઓએ દલાલ સ્ટ્રીટ પર ઇતિહાસ રચ્યો છે, જેનો ઉલ્લેખ આવનારા દાયકાઓ સુધી કરવામાં આવશે.