
વર્ષ ૨૦૧૬માં કરાઈ ખાતે તાલીમ લઈ રહેલી મહિલા અધિકારીઓની જાતીય સતામણીના આક્ષેપો મામલે ડીવાયએસપી કક્ષાના અધિકારી રમેશ ચૌધરીને ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે.રાજ્ય સરકાર દ્વારા આંતરિક તપાસ બાદ રમેશ ચૌધરીને નોકરીમાંથી બરતરફ કરવા અંગે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
આ નોટિસને અધિકારીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારતાં અદાલતે અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી નોટિસના અમલ પર વચગાળાનો સ્ટે ફરમાવ્યો છે.રમેશ ચૌધરી વતી વકીલ ઉત્કર્ષ દવે દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં રાજ્ય સરકાર દ્વારા બરતરફી માટે ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસને પડકારવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ અરજીમાં રાજ્ય સરકાર અને તપાસ અધિકારી આઇપીએસ પરીક્ષિતા રાઠોડને નોટિસ પાઠવી છે.
મહત્વપૂર્ણ છે કે, વર્ષ ૨૦૧૬માં કરાઈ ખાતે ફરજ બજાવતા રમેશ ચૌધરી સામે તાલીમ લઈ રહેલી મહિલા અધિકારીઓની જાતીય સતામણીના આક્ષેપો થયા હતા. આ મામલે નનામી અરજી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.આઇપીએસ પરીક્ષિતા રાઠોડ દ્વારા આક્ષેપો અંગે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ રમેશ ચૌધરી સામે નોકરીમાંથી બરતરફી માટેની કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.રાજ્ય સરકારની આ નોટિસ સામે રમેશ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમણે કરેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને તપાસ અધિકારીને નોટિસ પાઠવી તેમનો જવાબ માગ્યો છે. સાથે જ અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી બરતરફીની કારણદર્શક નોટિસના અમલ પર વચગાળાનો સ્ટે આપ્યો છે.