ગોધરામાં વિશ્ર્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ, ગોધરા પ્રખંડ દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકને નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાના પવિત્ર વાતાવરણની મર્યાદા જળવાઈ રહે તે હેતુથી આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજુ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, ગરબા એ આરાધના અને ભક્તિનુ પર્વ હોવાથી ગરબા સ્થળો પર અશ્ર્લિલતા ફેલાવતા અશ્ર્લિલ ગીતો, સાઉન્ડ અને ડી.જે.પર સંપુર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ. આ ઉપરાંત ગરબા મહોત્સવમાં બિન હિન્દુ તત્વો અને ખાસ કરીને જેઓ રોમીયોગીરી કરે છે, છેડતીની વિકૃત માનસિકતા ધરાવે છે. તેમના પ્રવેશ પર સજજડ રોક લગાવવા પોલીસ તંત્રને કડક સુચના આપવા અપીલ કરાઈ છે. સાથે આયોજકો દ્વારા પ્રવેશદ્વાર, પાર્કિંગ અને ગરબા ગ્રાઉન્ડ પર આઈ.ડી.કાર્ડ (ખાસ કરીને આધારકાર્ડ)ની ચકાસણી કરીને જ પ્રવેશ આપવો, ખેલૈયાઓને તિલક કરી અને ગંગાજળ છાંટીને તથા આધારકાર્ડનુ કડક ચેકિંગ કરીને પ્રવેશ આપવો, ગરબા ગ્રાઉન્ડ પર સીસીટીવી કેમેરા, પુરતો પ્રકાશ, સિકયુરિટી ગાર્ડ અને પુરતા પ્રમાણમાં મહિલા બાઉન્સર્સ કે સિકયુરિટી તૈનાત કરવા જણાવ્યુ છે. અને વી.એચ.પી.અને બજરંગ દળ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, નવરાત્રિ દરમિયાન કાયદો-વ્યવસ્થા કે સંસ્કૃતિનુ ઉલ્લંધન થશે તો હિન્દુ સનાતનીઓ સાથે મળીને આધ્યાત્મિક રીતે વિરોધ કરાશે.