
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્થળ પર જ વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું.
રાજ્ય સરકાર દ્વારા છેવાડાનો એક પણ નાગરિક કે પાત્ર લાભાર્થી સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે અને પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ સુખદ નિકાલ આવે તેવા ઉમદા આશય સાથે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ અભિયાનના ભાગપે મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ ખાતે દાહોદ લોકસભા વિસ્તારના સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સાંસદ સહિતના મહાનુભાવો અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ લીધો હતો. સાંસદ તથા અન્ય પદાધિકારીઓના હસ્તે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય તથા પ્રમાણપત્રોનું સ્થળ પર વિતરણ કરી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દોહરાવવામાં આવી હતી.
જનસેવાના આ કાર્યક્રમની સાથે પર્યાવરણ અને સ્વચ્છતાનો સંદેશ આપતાં સાંસદ જસવંતસિંહ ભાભોર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી શ્રમદાન કરવામાં આવ્યું હતું, તેમજ વૃક્ષારોપણ કરી હરિયાળી ક્રાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ખેડાપા અને આસપાસના ગામોમાંથી વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.