
આગામી તહેવારોને ધ્યાને રાખી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તેમજ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું તાકીદે સમારકામ કરવા અપાયા જરૂરી નિર્દેશ
મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આવેલ સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સી. વી. લટાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમન સંબંધી વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.બેઠકની શરૂઆતમાં ગત તા. ૧૧-૦૯-૨૦૨૬ના રોજ યોજાયેલ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી તેમજ તે અંતર્ગત થયેલી વિવિધ કામગીરીની પ્રગતિ અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરાઈ હતી.
આગામી સમયમાં આવી રહેલા નવરાત્રી, દશેરા અને દિવાળી સહિતના તહેવારો દરમિયાન જિલ્લામાં વાહનવ્યવહારની અવરજવર અને ટ્રાફિકનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે. જેને ધ્યાને રાખીને નાગરિકોની સુવિધા અને સલામતી અર્થે અગાઉથી જ માર્ગ સલામતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને વિશેષ આયોજન કરવા તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ, ખાડા, રસ્તાની કિનારીઓ (road shoulders), ગાર્ડરેલ અને અકસ્માત સંભવિત જોખમી વળાંકો અંગે સ્થળવાર પરિસ્થિતિની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. માર્ગ પરના ખાડા પૂરવા, તૂટેલી ગાર્ડરેલનું સમારકામ કરવું તેમજ જોખમી વળાંકો પર યોગ્ય સાઈનબોર્ડ અને સુરક્ષાત્મક પગલાં તાત્કાલિક પૂર્ણ કરી માર્ગોને સંપૂર્ણ સલામત બનાવવા સંબંધિત એજન્સીઓ તથા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી નિવાસી અધિક કલેક્ટરશ્રીએ માર્ગ સલામતી એ માનવ જીવન સાથે જોડાયેલો સંવેદનશીલ વિષય હોવાથી તમામ વિભાગો પરસ્પર સંકલન સાધી અકસ્માત નિવારણ માટે સઘન પ્રયાસો હાથ ધરે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.