ઝાલોદના બાંસવાડા રોડ પર ભંગારના ગોડાઉનમાં ગુરૂવારે રાત્રે ભીષણ આગ

પ્લાસ્ટિક અને ટાયરો સળગવાથી સ્થિતિ બેકાબૂ બનતા દાહોદથી ફાયર ફાઈટે બોલાવાયો,

ઝાલોદ નગરના બાસવાડા રોડ આવેલા એક ભંગારના ગોડાઉનમાં ગુ‚વારે રાત્રે ૯ વાગ્યાના સુમારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર નગરમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં રહેલો ભંગાર અને ખાસ કરીને મોટી માત્રામાં પ્લાસ્ટિક તથા ટાયરો હોવાના કારણે આગે થોડીજ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટાયર અને પ્લાસ્ટિક સળગવાના કારણે આકાશમાં ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેને લઈને આગ ઓલવવામાં ફાયર વિભાગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. આગ એટલી ભયાનક હતી કે ઝાલોદ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત ઉઠાવ્યા બાદ પણ આગ કાબૂમાં આવી ન હતી. પરિસ્થિતિની ગંભીરતા ને જોઈને તાત્કાલિક દાહોદ તેમજ અન્ય નગરપાલિકાઓ માંથી પણ વધારાના ફાયર ફાઈટરોને જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા. આ વિકરાળ આગના કારણે નજીકના એક મકાનની દીવાલને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે અચાનક લાગેલી આ આગના પગલે ઝાલોદ નગરના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકટોળાં ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વહીવટી અને પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, મામલતદાર એસ.એમ.પરમાર, ડીવાયએસપી ડી.આર. પટેલ, ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ ગામીત, પી. એસ. આઈ,પાલિકાના સી.ઓ તેમજ એમ.જી.વી.એલ. (સ્ટફઝ) ના અધિકારી વસૈયા અને ઝાલોદ પાલિકાના સભ્યો સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ વિકટ પરિસ્થિતિમાં આગ ઓલવવાની કામગીરી અને રાહત કાર્યમાં નગરના સાહસિક યુવાનોએ પણ આગળ આવીને વહીવટી તંત્ર અને ફાયર ટીમને ભરપૂર મદદ કરી હતી. સદનસીબે સમયસર ફાયર બ્રિગેડ અને તંત્રની ભારે જહેમતના અંતે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી