ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે બેંક સુરક્ષાને લઈ મહત્વની બેઠક યોજાઈ

ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલની અધ્યક્ષતામાં ફાયનાન્સ કરતી બેંકોના પ્રતિનિધિઓ સાથે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા.

ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફાયનાન્સ કરતી બેંકોના પ્રતિનિધિઓ સાથે બેંક તથા ગ્રાહકોની સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ડી.વાય.એસ.પી. ડી.આર. પટેલે સંભાળ્યું હતું. આ પ્રસંગે પી.આઈ. રવિ ગામીત તથા પી.એસ.આઈ. સી.કે. સીસોદીયા દ્વારા બેંક પ્રતિનિધિઓને જ‚રી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન બેંકમાં આવતા ગ્રાહકોની સુરક્ષા, બેંકની અંદર તથા બહારની સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની કાર્યક્ષમતા, કેમેરાનું યોગ્ય કવરેજ તથા રેકોર્ડિંગ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ બેંકોમાં મજબૂત તાળા, ડિજીટલ લોક, સુરક્ષા ગાર્ડ તેમજ અન્ય સુરક્ષા સાધનો રાખવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

બેંકનું દૈનિક કામકાજ પૂર્ણ થયા બાદ તમામ પ્રવેશદ્વારો તથા મહત્વપૂર્ણ સ્થળોએ મજબૂત લોક અને ડિજીટલ લોક યોગ્ય રીતે લગાવવામાં આવે તેમજ રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન રાખવા અંગે ખાસ ભાર મૂકાયો હતો. બેંકમાં રહેલી રોકડ રકમ તથા મહત્વપૂર્ણ દસ્તાવેજોની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા પણ જણાવાયું હતું.

દિવસ દરમિયાન ગ્રાહકોની અવરજવર વધુ રહેતી હોવાથી શંકાસ્પદ વ્યક્તિઓ અથવા શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા, બેંકની આસપાસની પરિસ્થિતિ અંગે સતર્ક રહેવા તથા કોઈપણ અસામાન્ય ઘટના જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માર્ગદર્શન અપાયું હતું.

આ ઉપરાંત બેંક દ્વારા સુરક્ષા માટે રાખવામાં આવેલા સાધનો સમયાંતરે ચકાસવા, ઇમરજન્સી સંપર્ક વ્યવસ્થા તથા એલાર્મ સિસ્ટમ કાર્યરત રાખવા, સુરક્ષા ગાર્ડને જરૂરી સૂચનાઓ આપવા અને પોલીસ સાથે સંકલન જાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, બેંક અને ગ્રાહકોનું હિત સર્વોપરી છે. બેંકોમાં દિવસ કે રાત્રિના સમયે ચોરી, લૂંટફાટ કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેંક સંચાલકો અને પોલીસ તંત્ર વચ્ચે સતત સંકલન અને તકેદારી જ‚રી છે.

બેઠકના અંતે બેંક પ્રતિનિધિઓને સુરક્ષાને લગતી તમામ બાબતોમાં જ‚રી સાવચેતી રાખવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.