શહેરા તાલુકાના ડેમલી ગામ ખાતે કોંગ્રેસના ઓબ્ઝર્વર દિનેશ ખોડાણીયા, નવરસિંહ મહિડા અને અજીતસિંહ ભટ્ટીની અધ્યક્ષતામાં જીલ્લા કોંગ્રેસના નવા પ્રમુખની વરણી અંગે તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિમાં નવા પ્રમુખની નિમણૂક અંગેની પ્રક્રિયા ઝડપી બની છે. શહેરા તાલુકાના ડેમલી ગામ ખાતે કોંગ્રેસ પક્ષની એક અગત્યની અને સમીક્ષાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એઆઈસીસી ઓબ્ઝર્વર દિનેશ ખોડાણીયા, નવરસિંહ મહિડા અને અજીતસિંહ ભટ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રભારીઓની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જીલ્લા કોંગ્રેસના નવા સુકાનીની પસંદગી સંદર્ભે શહેરા તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓ અને સક્રિય કાર્યકરો સાથે વિસ્તૃત અને મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન ઉપસ્થિત ઓબ્ઝર્વરોએ આગામી સમયમાં પક્ષને સંંગઠનાત્મક રીતે વધુ મજબૂત બનાવવા અને જીલ્લા પ્રમુખ તરીકે સક્ષમ, સક્રિય અને સર્વસ્વીકૃત નેતાની પસંદગી કરવા માટે સ્થાનિક કાર્યકરોનો અભિપ્રાય મેળવ્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં શહેરા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અરવિંદસિંહ સોલંકી, ગુણવંતસિંહ બારીયા, પ્રવીણસિંહ સોલંકી, અશોકસિંહ ઉર્ફે પપ્પુ સોલંકી, નટુભાઈ પરમાર તથા શંકરભાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, હોદ્દેદારો અને પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે.બી. સોલંકી હાલ તડીપાર હોવા છતાં, તાલુકાના સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ ભારે એકતા દર્શાવીને આ બેઠકનું આયોજન કર્યું હતું. તાલુકાના નેતાઓએ એકજૂથ થઈને કાર્યક્રમને સફળ બનાવી સંગઠન પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી.