
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ઝાડીઓમાંથી ૫૫ વર્ષીય આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકના શરીર પર વીજ કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હોવાથી આ સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો છે. ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરાતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
ઝાડીઓમાંથી મળ્યો મૃતદેહ ભુરાવાવ વિસ્તારમાં ન્યૂ અંબિકા ટ્રાન્સપોર્ટ પાસે આવેલી ઝાડીઓમાંથી લક્ષ્મણભાઈ ડામોરનો મૃતદેહ મળી આવ્યો હતો. ૫૫ વર્ષીય મૃતક લક્ષ્મણભાઈ ગોધરા શહેરની ચક્રધારી સોસાયટીના મૂળ નિવાસી હતા. આધેડનો મૃતદેહ ઝાડીઓમાંથી આવી હાલતમાં મળતાં આસપાસના લોકોમાં અરેરાટી સાથે વિવિધ તર્ક-વિતર્ક સર્જાયા છે.
પોલીસે હાથ ધરી તપાસ ઘટનાની જાણ થતાં જ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. હાલમાં આધેડના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને તે મુજબ આગળની તપાસ ચલાવાશે.