
બેન્ક એકાઉન્ટ માંથી ઉપડી ગયેલા નાણાનો મેસેજ પણ આવ્યો ન હતો,બેંકમાં રૂબરૂ તપાસ કરતા ગ્રાહકને જાણ થતા પોલીસ કાર્યવાહી હાથ ધરી.
સુખસર બેંકમાંથી ખેડૂતના રૂપિયા 82080 તથા પતિ-પત્નીના ખાતા માંથી રૂપિયા 1,55,000 ઉપડી ગયા હતા.
સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે એકમાત્ર બેંક ઓફ બરોડા આવેલ છે.જેમાં શાળામાં ભણતા બાળકો-વિદ્યાર્થીઓ,ખેડૂતો, નોકરીયાતો તેમજ શ્રમિક લોકોના હજારો ખાતા આવેલ છે.અને બેન્ક ગ્રાહકોને બેંકમાં પોતાના નાણા સહી સલામત રહેતા હોવાની છાપ હોય જેના લીધે શ્રમિકો અને ખેડૂતો પોતાની બચેલી મૂડી બેંકમાં જમા રાખતા હોય છે. પરંતુ હવે બેન્ક ગ્રાહકોને બેંક ઉપરથી વિશ્ર્વાસ ઉઠી જાય તેવા પણ બનાવ બની રહ્યા છે. જોકે બેંક ગ્રાહકો દ્વારા અવાર-નવાર વિવિધ ફરિયાદો પણ ઉઠતી રહે છે.તેવી જ રીતે હાલમાં ચાલુ માસ દરમ્યાન બેન્ક ઓફ બરોડા સુખસર શાખાના કેટલા ગ્રાહકોના ખાતા માંથી બારોબાર હજારો રૂપિયા ઉપડી જતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ બેંક ઓફ બરોડા સુખસર શાખામાં 45 જેટલા ગામડાઓમાં વસવાટ કરતા ખેડૂતો, નોકરીયાતો, શ્રમિકો તથા શાળામાં ભણતા બાળકો અને વિદ્યાર્થીઓના હજારો ખાતા આવેલ છે. જે પૈકી ડિસેમ્બર માસમાં કેટલાક શ્રમિક તથા ખેડૂત ગ્રાહકોના બેંક બેલેન્સ માંથી બારોબાર હજારો રૂપિયા કપાત થઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં પ્રથમ કિસ્સામાં જોઈએ તો હિંગલા ગામના કીકાભાઈ કાનજીભાઈ સંગાડા તથા તેમના પત્ની લલીતાબેન બેંક ઓફ બરોડા સુખસર શાખામાં પોતાના એકાઉન્ટ ધરાવે છે. જ્યારે કીકાભાઈના ખાતામાંથી તારીખ 21-10-2025 ના રોજ રૂપિયા 5000 તથા 27-10-2025 ના રોજ 50,000 તેમજ રૂપિયા 20,000 મળી કુલ 75 હજાર રૂપિયા જ્યારે તારીખ 2-11- 20025 ના રોજ લલીતાબેનના ખાતામાંથી રૂપિયા 50,000 અને તે જ દિવસે રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 80 હજાર આમ પતિ-પત્નીના કુલ રૂપિયા 1,55,000 બારોબાર ઉપડીગયેલ હોવાની જાણ સુખસર પોલીસમાં કીકાભાઈ સંગાડાએ લેખિતમાં ફરિયાદ આપેલ હોવાનું જાણવા મળે છે.
જ્યારે બીજા બનાવમાં સુખસર તાલુકાના હિંગલા ગામના દશરથભાઈ ધનાભાઈ કટારા નાઓ બેંક ઓફ બરોડા સુખસર શાખામાં પોતાનું ખાતું ધરાવે છે.અને જેમાં ખેતીની આવકમાંથી બચત પણ કરતા રહે છે.અને ટ્રેક્ટરના હપ્તા ભરવા માટે પોતાના ખાતામાં રૂપિયા 83,110 જમા રાખવામાં આવેલા હતા.જ્યારે 30 ડિસેમ્બર 2025 ના રોજ ટ્રેક્ટરના હપ્તો ભરપાઈ કરવાનો હોય બેંક ગ્રાહક દશરથભાઈ એ બેંકમાં જઈ તપાસ કરતા અને સ્ટેટમેન્ટ કઢાવતા તેમના ખાતામાં રૂપિયા 1030 હોવાનું જણાયેલ.ત્યારે બેંક મેનેજર નો સંપર્ક કરતા યોગ્ય ઉત્તર નહીં મળતા દશરથભાઈ કટારાએ સ્ટેટમેન્ટ કઢાવતા તેમના ખાતામાંથી 14 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર દરમ્યાન માત્ર બે દિવસમાં અલગ-અલગ સમયે રૂપિયા 82080 બારોબાર બેંક એકાઉન્ટમાંથી કપાત થયેલ હોવાની જાણ થતા સુખસર પોલીસ સ્ટેશન સહિત સાયબર ક્રાઈમમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અહીંયા ખાસ નોંધનીય બાબત એ પણ છે કે,જે-તે ખાતેદારોના બેંકમાં મોબાઇલ નંબર પણ આપવામાં આવેલ હોય છે.અને નાણા જમા કરતા અથવા ઉપાડતા મોબાઈલમાં મેસેજ આવી જતા હોય છે. પરંતુ હાલમાં બેંક ઓફ બરોડાના જે ગ્રાહકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવ્યા છે, તેમના મોબાઇલમાં અગાઉથી મેસેજ બંધ થઈ ગયેલ હતાનું ફ્રોડના શિકાર બનેલા બેંક ગ્રાહકો દ્વારા જાણવા મળે છે. ત્યારે બેંકની લેવડ દેવડના મેસેજ ક્યાંથી બંધ થયા? તે પણ એક તપાસનો વિષય છે. જોકે ચાલુ માસ દરમ્યાન બેંક ઓફ બરોડા સુખસર શાખાના અનેક બેંક ગ્રાહકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.ત્યારે તેની તટસ્થ તપાસ થાય તેવી પણ બેંક ગ્રાહકોની માંગ ઉઠવા પામેલ છે.