ઝાલોદ આરામગૃહ પાસે રાત્રિના અંધારામાં ગંભીર અકસ્માત ડમ્પરના બેકાબુ વેગે કેબિનનો કર્યો કચ્ચરઘાણ, જાનહાનિ ટળી

ઝાલોદ નગરના આરામગૃહ પાસે સુખસર જતા મુખ્ય માર્ગ પર રાત્રિના અંધારામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આરામગૃહના પ્રવેશદ્વાર પાસે એક મોટું ડમ્પર અચાનક બેકાબુ બનતા રસ્તા કિનારે આવેલી કેબિનને અડફેટે લઈ ગયું હતું.

ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરનો કંટ્રોલ ગુમાવ્યો

પ્રાપ્ત માહિતી મુજબ PB-13-BT-7621 નંબરના ડમ્પરનો ચાલક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પરચુરણ સામાન વેચતી કેબિન સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં કેબિન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી.

અંદાજે 75 હજાર રૂપિયાનું નુકસાન

અકસ્માતમાં નુકસાન પામેલ કેબિન સંગાકા મનસુખભાઈ પુંજાભાઈ નામના વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં અંદાજે રૂા.75,000 જેટલું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. સૌભાગ્યવશ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતજનક બાબત છે.

સ્થાનિકોની ફરિયાદ : અકસ્માતો વારંવાર થાય છે

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આરામગૃહ પાસે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર વિસ્તારમાં અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.

આ મુખ્ય માર્ગ પર કોઈ સ્પીડ બ્રેકર (જંપ) નથી, કોઈ સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થા નથી. તેમજ ટ્રાફિક ચિન્હો અને માર્ગદર્શક સંકેતોનો સંપૂર્ણ અભાવ છે. જેના કારણે રાત્રિના સમયે વાહનચાલકોને માર્ગની સમજ પડતી નથી અને અકસ્માતોની સંભાવના વધી જાય છે.

ટ્રાફિક ગાઇડલાઇન અને જરૂરી સૂચનો

જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક નીચે મુજબની કાર્યવાહી જરૂરી બની છે :

આરામગૃહ પાસે ટ્રાફિક ચિન્હો અને સૂચક બોર્ડ લગાવવાના,

રાત્રિ દરમ્યાન સ્પષ્ટ દૃશ્યતા માટે સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા,

વાહનોની ગતિ નિયંત્રિત કરવા સ્પીડ બ્રેકર (જંપ) બનાવવાના,

Accident Prone Zone અને Slow Down જેવા ચેતવણી સંકેતો નિયમિત રીતે પોલીસ અને ટ્રાફિક વિભાગની પેટ્રોલિંગ.

લોકમાંગ : તાત્કાલિક કાર્યવાહી કરાય

આ વિસ્તારને અકસ્માતપ્રવણ ઝોન જાહેર કરી નગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક નિયમનાત્મક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાંથી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.