
વિરપુર અર્બન સહકારી બેંક લિ.ની ઓગસ્ટ-૨૦૨૬ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સુશિક્ષિત પેનલનો તમામ ૧૨ બેઠકો પર બિનહરીફ વિજય થયો છે. આ પરિણામ સાથે વિરપુરના સહકારી ક્ષેત્રમાં શુકલ પરિવારનો ત્રણ દાયકા જૂનો દબદબો ફરી એકવાર યથાવત્ સાબિત થયો છે.
મહીસાગર જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ અને બેંકના ચેરમેન તેમજ વિરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળ આ પેનલની રચના કરવામાં આવી હતી. બેંકના હિત, વિકાસ અને સુચા વહીવટને કેન્દ્રમાં રાખીને ૧૨ સભ્યોની આ મજબૂત અને સુશિક્ષિત ઉમેદવારોની પેનલ નક્કી કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પેનલ સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધીએ ઉમેદવારી નોંધાવી ન હતી. પરિણામે, સમગ્ર પેનલને સર્વાનુમતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી છે.
નવનિયુક્ત કમિટીમાં જનરલ કેટેગરીની ૯ બેઠકો, મહિલા અનામતની ૨ બેઠકો અને નાના તેમજ સીમાંત ખેડૂત કેટેગરીની ૧ બેઠકનો સમાવેશ થાય છે. તમામ બેઠકો પર એક જ પેનલનો બિનહરીફ વિજય થતાં બેંકના સભાસદો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.
બિનહરીફ વિજેતા ઉમેદવારોના નામ આ મુજબ છે: ભૂપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, માર્ગેશકુમાર ચંદ્રકાંતભાઈ શુકલ, સ્મિતાબેન ભૂપેન્દ્રકુમાર મહેતા, દેવ્યાનીબહેન દિલીપકુમાર શુકલ, રાજેશકુમાર મોહનલાલ જયસ્વાલ, ડો. આશિષકુમાર રતિલાલ પટેલ, પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુકલ, અશ્ર્વિનકુમાર ઓચ્છવલાલ શેઠ, અશોકકુમાર મણિલાલ દેસાઈ, હરીશકુમાર ચંપકલાલ જીનગર, ડાહીબેન ચીમનલાલ પટેલ અને અબ્દુલકૈયમ રસુલભાઈ શેખ.