બોડેલીનો એકમાત્ર બાગ જાળવણીના અભાવે જંગલ બન્યો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નગરપાલિકા હદમાં નગરજનો માટેના એકમાત્ર ગણાતા જાહેર બાગની જાળવણી સામે સવાલો ઊઠ્યા છે. નિયમિત સફાઈ અને ઘાસ કાપવાની કામગીરીના અભાવે બાગમાં ચારે તરફ ઘાસ ઊગી નીકળતાં તેની સુંદરતા ઝાંખી પડી રહી છે.

બાગમાં ફરવા આવતા નગરજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવતા સહેલાણીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં ઘાસ ઝડપથી વધ્યું છે. બાગના વિશાળ મેદાન ઉપરાંત ફરવાના રસ્તાઓની બંને બાજુએ પણ ઘાસ ઊગી નીકળ્યું છે.

જેના કારણે સ્વચ્છ, સુઘડ અને હરિયાળું રહેવું જોઈએ તેવા જાહેર બાગની હાલત અવ્યવસ્થિત દેખાઈ રહી છે. બોડેલી શહેરમાં નગરજનો માટે મનોરંજન અને પરિવાર સાથે સમય વિતાવવા માટેના જાહેર સ્થળોની સંખ્યા મર્યાદિત છે. આવી સ્થિતિમાં નગરપાલિકા હસ્તકના એકમાત્ર બાગની નિયમિત જાળવણી વધુ મહત્વની બની જાય છે.

જોકે, ઘાસ કાપવા અને સફાઈની કામગીરી સમયસર ન થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. નગરજનોનું કહેવું છે કે બાગમાં નિયમિત ઘાસ કાપવાની સાથે સફાઈ અને જાળવણીની વ્યવસ્થા કરવામાં આવે તો બાગ ફરીથી સ્વચ્છ અને આકર્ષક બની શકે છે.

નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઘાસ-ઝાડી દૂર કરી સમગ્ર બાગની સફાઈ કરાવવામાં આવે તેમજ ભવિષ્યમાં નિયમિત જાળવણી માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે.