
ધોધંબામાં સળિયા દેખાતા હોવાના આક્ષેપો, દાદરમાં ગાબડાં અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાયાની ગ્રામજનોમાં ચર્ચા.
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના નવાનગર ગામે નવી ગ્રામ પંચાયતનું મકાન બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે બાંધકામની ગુણવત્તા સામે ગ્રામજનોમાં સવાલો ઉઠ્યા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ મકાનના બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે અને કામગીરીમાં નિયમોનું પાલન થતું નથી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ નવા પંચાયત મકાનના ધાબામાં સળિયા દેખાઈ રહ્યા છે, જ્યારે કેટલાક કોલમના કામમાં પણ ખામીઓ જોવા મળી રહી છે. દીવાલ અને ધાબા વચ્ચે ખાલી જગ્યા દેખાતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ઉપરના માળે જવા માટે બનાવવામાં આવેલા દાદરમાં અનેક સ્થળે તૂટફૂટ અને ગાબડાં જોવા મળતા હોવાની પણ ચર્ચા છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ બાંધકામમાં વપરાતી રેતી અને કપચીની ગુણવત્તા અંગે પણ સવાલો છે. નજીકના કોતરમાંથી માટી મિશ્રિત રેતી લાવી બાંધકામમાં ઉપયોગમાં લેવાઈ હોવાની ચર્ચા ગ્રામજનોમાં છે. ચણતર માટેના મિશ્રણમાં પણ જરી પ્રમાણ જાળવવામાં આવ્યું છે કે નહીં તે અંગે તપાસની માંગ ઉઠી છે.

જે મકાનમાંથી સમગ્ર ગામના વહીવટનું સંચાલન થવાનું છે અને જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટાયેલી બોડી બેસવાની છે, તે જ મકાનની કામગીરી સામે સવાલો ઊભા થતાં ગ્રામજનોમાં ચર્ચા છે કે જો પંચાયતનું પોતાનું મકાન જ ગુણવત્તાયુક્ત ન બને તો ગામમાં થતા અન્ય વિકાસ કામોની ગુણવત્તા કેવી હશે?
નવા પંચાયત મકાનની સામે આવેલું જૂનું પંચાયત મકાન પણ થોડા વર્ષોમાં જર્જરિત થઈ ગયું હોવાનું ગ્રામજનો જણાવે છે. આવી સ્થિતિમાં નવા મકાનની ગુણવત્તા અંગે પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ નવાનગરમાં કેટલ, નાળા, ચેકડેમ, રોડ, સંરક્ષણ દીવાલ અને આવાસ યોજના સહિત અનેક વિકાસ કામો થયા છે. કેટલાક કામો અગાઉ થઈ ચૂક્યા હોવા છતાં તેના ઉપર નવા કામના નામે લપેડા કરી ફરીથી કામ બતાવી બિલ ઉપાડવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિક સ્તરે થઈ રહ્યા છે.
આ તમામ આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર તપાસ થવી જરી છે. ગ્રામજનો દ્વારા પંચાયત મકાનના બાંધકામમાં વપરાયેલી સામગ્રી, મંજૂર એસ્ટિમેટ, ટેકનિકલ મંજૂરી, માપપોથી અને થયેલી કામગીરીની ગુણવત્તાની તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
કેટલાક ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયતના કામ અંગે રજૂઆત કરવા જતાં અરજદારોને દમદાટી આપી તેમનું મોઢું બંધ કરવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.
હવે સવાલ એ છે કે, ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામમાં ખરેખર ગુણવત્તાના ધોરણોનું પાલન થયું છે કે નહીં? આ અંગે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી બાંધકામના નમૂનાઓના ટેસ્ટ કરાવવામાં આવે અને જો ગેરરીતિ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.