
તૃણમૂલ કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ, સુપ્રીમ કોર્ટે આજે નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જાડાનારા તમામ ૨૦ “બળવાખોર” સાંસદોને નોટિસ જારી કરી છે. આ મામલે લોકસભા સ્પીકર ઓમ બિરલા વતી સોલિસિટર જનરલ હાજર થયા. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ હજુ સુધી ૨૦ ટીએમસી સાંસદોના પક્ષપલટા બાદ તેમના સભ્યપદ સમાપ્ત કરવાની માંગ કરતી અરજીઓ પર નિર્ણય લીધો નથી. અભિષેક બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે સ્પીકર આ સાંસદો વિરુદ્ધ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ દાખલ કરાયેલી અરજીઓ પર નિર્ણય લે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાની વિનંતી પર, સુપ્રીમ કોર્ટે હજુ સુધી લોકસભા સ્પીકરને નોટિસ જારી કરી નથી. તુષાર મહેતાએ કહ્યું કે તેઓ સ્પીકર પાસેથી સૂચનાઓ માંગશે અને કોર્ટને જાણ કરશે. આ અંગે, જસ્ટિસ બાગચીએ કહ્યું કે તમે આવ્યા હોવાથી, અમારો હેતુ પૂર્ણ થયો છે, તેથી અમે સ્પીકરને નોટિસ જારી કરી રહ્યા નથી. અમે કોઈ બંધારણીય સંસ્થાને કોઈ સૂચના આપવા માંગતા નથી, પરંતુ આપણે ખાતરી કરવી જાઈએ કે આવા નિર્ણયો સમયસર લેવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હાલમાં સ્પીકરને નોટિસ જારી કરી રહ્યા નથી; અમે બાકીના પક્ષકારોને નોટિસ જારી કરી રહ્યા છીએ.
સુપ્રીમ કોર્ટ શિવસેના (યુબીટી) ની સમાન અરજી પર પણ સુનાવણી કરી રહી છે, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનામાં પાર્ટીના છ સાંસદોના વિલીનીકરણની સ્પીકરની મંજૂરીને પડકારવામાં આવી છે. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચ તે અરજી પર સુનાવણી કરી રહી છે. આ પછી, સુપ્રીમ કોર્ટ હવે બળવાખોર ટીએમસી ધારાસભ્યોને લગતા કેસની સુનાવણી કરી રહી છે.